વડાપ્રધાન બોરિસ જોન્સનના ચૂંટણી પ્રચાર માટે ભંડોળ આપનાર અગ્રણી ટોરી ડોનર યુરોપના એક મોટા ભ્રષ્ટાચાર સ્કેન્ડલમાં સંડોવાયેલા છે. મોહંમદ અમરસીએ 2018 પછીથી પાર્ટીને આશરે 525,000 પાઉન્ડનું ફંડ આપ્યું છે, એવું બીબીસીના ઇન્વેસ્ટિગેશન રીપોર્ટમાં જણાવાયું છે.
લીક થયેલા ડોક્યુમેન્ટ્સની વિગતો મુજબ તેઓ સ્વીડિશ ટેલિકોમ કંપની માટેના શ્રેણીબદ્ધ ડીલ્સમાં સંડોવાયેલા હતા. આ કંપનીને અમેરિકાની કોર્ટે પછીથી 965 મિલિયન ડોલર (700 મિલિયન પાઉન્ડ)નો દંડ ફટકાર્યો હતો.
જોકે પોતે કંઇ ખોટી કર્યું હોવાનો સ્પષ્ટ ઇનકાર અમરસીએ કર્યો હતો. 61 વર્ષના અમરસી કોર્પોરેટ લોયર છે અને 2007થી 2013 વચ્ચે ટેલિયા માટે કન્સલ્ટન્ટનું કામ કરતાં હતા.
ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ અને ગાર્ડિયનના સહયોગમાં બીબીસી પેનોરમાએ કેટલાંક દસ્તાવેજ મેળવ્યા હતા, જે દર્શાવે છે કે અમરસી 2010માં એક ગુપ્ત વિદેશી કંપનીને વિવાદાસ્પદ $220 મિલિયનના પેમેન્ટમાં સંડોવાયેલા છે.
આ કંપની ઉઝબેકિસ્તાનના તત્કાલિન પ્રેસિડન્ટની પુત્રી ગુલનારા કરિમોવાની માલિકીની હતી અને આ પેમેન્ટને અમેરિકાના સત્તાવાળાએ “$220 મિલિયનની લાંચ” ગણાવી હતી.
અમરસીના વકીલોએ જણાવ્યું હતું કે ટેલિયાએ તપાસ બાદ આ વિદેશી કંપનીની પસંદગી કરી હતી અને માન્ય કરી હતી અને તેની સંડોવણી અંગે કોઇ લાલ બત્તી ધરવામાં આવી નહોતી.
માન્ચેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સ ચાલી રહી છે ત્યારે અમરસીની સંપત્તિના સ્રોત અંગે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.
અમરસીએ 2019માં સંસદીય ચૂંટણીના પ્રચાર માટે આશરે £100,000 અને વડાપ્રધાનની લીડરશિપ કેમ્પેઇન માટે £10,000 આપ્યાં હતા.
અમરસીના રશિયામાં જન્મેલા ભાગીદાર નાડેઝડા રોડિચેવાએ પણ 2017 અને 2018માં કન્વર્ઝેવેટિવ્સને આશરે £250,000નું ફંડ આપ્યું હતું. પોલિટકલ લો એક્સપર્ટ ગેવિન મિલર QC માને છે કે કન્ઝર્વેટિવ્સે આ નાણાં પરત કરવા જોઇએ.
તાજેતરના મહિનાઓમાં અમરસી “કેશ ફોર એક્સેસ” વિવાદમાં સપડાયા હતા અને દાવો થયો હતો કે તેઓ વડાપ્રધાન અને ચાન્સેલરને સરળતાથી મળી શકે છે.
પેન્ડોરા પેપર્સ તરીકે જાણીતા આશરે 12 મિલિયન ડોક્યુમેન્ટમાં અમરસીનું નામ ખૂલ્યું છે. આ ડોક્યુમેન્ટ્સમાં દર્શાવવામાં આવ્યું છે કે અમરસીએ ગુપ્ત વિદેશી કંપનીઓનો ઉપયોગ કરીને યુકેમાં બે પ્રોપર્ટી ખરીદી હતી.
પેન્ડોરા પેપર્સમાં એવી પણ વિગત આપવામાં આવી છે કે યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને તેમના પત્ની શેરીએ વિદેશી ડીલ મારફત 6.45 મિલિયન પાઉન્ડમાં લંડનમાં પ્રોપર્ટી ખરીદી હતી. આ ડીલમાં તેમને 312,000ની સ્ટેમ્પ ડ્યૂટીની બચત થઈ હતી.