ગુજરાતના વતની અશોકભાઇ ચૌહણે રાજ્યના ગૃહ અને એન.આર.જી. વિભાગના પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે, તેમની દીકરી જિનલબેન રાહુલકુમાર વર્મા તેમના પતિ સાથે પોર્ટુગલ ખાતે વસવાટ કરે છે અને તેના પતિ દ્વારા તેમની દીકરીને શારિરીક અને માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. એટલુ જ નહિ, આ દીકરીને પતિ દ્વારા નજર કેદમાં રાખીને હેરાન કરવામાં આવે છે. તેથી તેમણે દીકરીને સલામત રીતે ગુજરાત પરત લાવવા રજૂઆત કરી હતી.
આ રજૂઆતને ધ્યાને લઈને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ દીકરીને ત્વરિત ગુજરાત લાવવા કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી જરૂરી સહયોગ આપવા વિનંતી કરી હતી. જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દીકરીને સલામત રીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે.

અરજદારના જણાવ્યા મુજબ તેમની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેનાં પતિ પાસે હોવાથી દીકરીને હેરાન કરવામાં આવતી હતી. આ અંગે અરજદારની રજુઆત બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલમાં ઇન્ડિયન એમ્બેસીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી કરવાના હેતુથી ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી હતી અને જેનો પોર્ટુગલથી હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો. અંતે શુક્રવારે આ દીકરી સલામત રીતે ગુજરાત પરત આવી ગઈ હતી.

LEAVE A REPLY