ચૂંટણી બોન્ડ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના રાજકીય પક્ષોને દાન આપનારી ટોચની કંપનીઓમાં ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિસ, મેઘા એન્જિનિયરિંગ, વેદાંત, ભારતી એરટેલ, RPSG અને એસ્સેલ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. દેશની સર્વોચ્ચ અદાલતના સોમવારે એક આદેશ બાદ ભારતના ચૂંટણી પંચે આ માહિતી જાહેર કરી હતી. ચેન્નાઇ ખાતેની લોટરી એન્ડ ગેમિંગ કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિસ રૂ.1,368 કરોડ કુલ દાન સાથે ટોચ પર હતી. ચૂંટણી બોન્ડ મારફત સૌથી વધુ દાન મેળવનારી પાર્ટીમાં ભાજપ, ટીએમસી અને કોંગ્રેસનો સમાવેશ થાય છે.
સરકારે રાજકીય પક્ષોને દાન આપવા માટે 2017માં ચૂંટણી બોન્ડ યોજના ચાલુ કરી હતી. આ વ્યવસ્થા હેઠળ વ્યક્તિઓ અને કંપનીઓએ રાજકીય પક્ષોને પોતાનું નામ જાહેર ન થાય તે રીતે દાન આપી શકતા હતા. આવા બોન્ડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઇશ્યૂ કરતી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરીને તેને નાબૂદ કરી હતી તથા ચૂંટણી બોન્ડના ખરીદદાર અને લાભાર્થીની વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી આ માહિતી બહાર આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી (BJP) આ બોન્ડ્સની સૌથી મોટી લાભાર્થી રહી હતી. જાન્યુઆરી 2018 અને જાન્યુઆરી 2024 વચ્ચે લોકો અને કંપનીઓ દ્વારા દાનમાં આપવામાં આવેલા કુલ રૂ.12,155 કરોડ ($1.45 બિલિયન)માંથી 55% રકમ ભાજપને મળી હતી.
ચૂંટણી બોન્ડ ખરીદદારમાં સ્ટીલ માંધાતા લક્ષ્મી મિત્તલની આર્સેલર મિત્તલથી માંડીને અબજપતિ સુનિલ મિત્તલનું ભારતી ગ્રૂપ, ટોરેન્ટ પાવર, સન ફાર્મા, અનિલ અગ્રવાલની વેદાન્તા, આઇટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓ સામેલ છે.
અનિલ અગ્રવાલની વેદાન્તા લિમિટેડે રૂ.400 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતાં. ભારતી ગ્રૂપની ત્રણ કંપનીઓએ એક સાથે કુલ રૂ.247 કરોડના બોન્ડ્સની ખરીદી કરી હતી.
સ્ટીલ માંધાતા અને આર્સેલર મિત્તલના લક્ષ્મી નિવાસ મિત્તલે તેમની વ્યક્તિગત ક્ષમતામાં રૂ.35 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા. કેટલાંક મોટા માળખાગત પ્રોજેક્ટોના કોન્ટ્રાક્ટ્સ મેળવનાર હૈદરાબાદની મેઘા એન્જીનીયરિંગે રૂ. 966 કરોડના બોન્ડ્સ ખરીદ્યા છે.
બજાજ ઓટોએ રૂ.18 કરોડ, બજાજ ફાઇનાન્સે રૂ.20 કરોડ, ઇન્ડિગોની ત્રણ કંપનીઓએ રૂ.36 કરોડ, સ્પાઇસજેટે રૂ. 65 લાખ અને ઇન્ડિગોના રાહુલ ભાટિયાએ રૂ.20 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. મુંબઈ સ્થિત ક્વિક સપ્લાય ચેઈન પ્રાઈવેટ લિમિટેડે રૂ.410 કરોડ અને હલ્દિયા એનર્જીએ રૂ. 377 કરોડના બોન્ડ ખરીદ્યા હતા.