કોરોનાવાયરસ રોગચાળાના કારણે યુકેમાં છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ લોકોનો મૃત્યુ દર ધરાવતા તમામ વિસ્તારો લંડનના હોવાનું નવા આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે. માર્ચથી જૂન સુધીમાં ઇંગ્લેન્ડમાં કોવિડ-19ના કારણે સૌથી ઉંચો મૃત્યુ દર લંડનના બ્રેન્ટ બરોમાં નોંધાયો હતો, જેમાં દર 100,000 લોકો દીઠ 216.6 લોકો મૃત્યુ પામ્યા હતા. તે પછી ન્યુહામમાં 201.6, હેરીંગેમાં 185.1, હેકનીમાં 183.3 અને છેલ્લે હેરોમાં 182.8 લોકો કોરોનાવાયરસના કારણે મરણ પામ્યા હતા.
લંડનની બહાર આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન કોરોનાવાયરસના કારણે દર 100,000 લોકોમાં સૌથી વધુ મૃત્યુ દર ધરાવતાં સ્થાનિક ક્ષેત્રોમાં મિડલ્સબરો 178.0 મૃત્યુ, હર્ટ્સમીયર 166.7 મૃત્યુ, સેલ્ફર્ડ 166.2 મૃત્યુ, વૉટફર્ડ 165.2 મૃત્યુ અને લિવરપૂલ 150.4 મૃત્યુ નોંધાયા હતા.
યુકેમાં 45,000 કરતા વધુ લોકોના કોરોનાવાયરસના કારણે મોત નિપજ્યા બાદ હજૂ પણ વાયરસ અદૃશ્ય થયો નથી ત્યારે લંડનવાસીઓએ હજી પણ સ્વચ્છ રહેવા, સામાજિક અંતર રાખવા અને ફેસ માસ્ક પહેરવા જણાવાઇ રહ્યું છે. રક્ષણાત્મક ફેસ માસ્ક ‘આપણી વ્યક્તિગત અને જાહેર ફરજ’ હોવી જોઈએ તેમ નિર્ધારીત કરાયું છે.
શુક્રવાર તા. 24 જુલાઇ સુધી, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લંડનની હોસ્પિટલોમાં કોરોનાવાયરસના કારણે કોઈ નવી વ્યક્તિનું મૃત્યુ થયાની જાણ થઈ નથી. જ્યારે આ સમય દરમિયાન એકંદરે ઇંગ્લેન્ડમાં કુલ 45 લોકોનાં મોત નોંધાયા છે. પરંતુ આ આંકડાઓમાં કેર હોમ્સ અથવા કોમ્યુનિટીમાં થતા મૃત્યુનો સમાવેશ થતો નથી.
કેન્ટમાં એશફોર્ડ ખાતે જૂન મહિનામાં સૌથી વધુ દર 100,000 લોકોએ 36.5 લોકો મૃત્યુ પામ્યા હતા અને મૃત્યુદર છેલ્લા બે મહિનામાં નોંધપાત્ર રીતે નીચે આવ્યો નથી. મે મહિનામાં આ ક્ષેત્રનો મૃત્યુ દર 36.7 હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં ટેમીસાઇડમાં 3.9 (મે માસમાં 38.1), ડોવર 21.7 (મે માસમાં 25.5), ફોકસ્ટોન અને હીથ 21.7 (મે માસમાં 31.9) અને નનીટન અને બેડવર્થ 19.9 (મે માસમાં 38.3) મૃત્યુ દર હતો. હલ કાઉન્સિલમાં મા માસમાં સૌથી વધુ દર 51.3 હતો જે જૂનમાં ઘટીને 18 થયો હતો.