– ડો. યુવા અય્યર
આયુર્વેદિક ફિઝિશિયન
એકથી પાંચ વર્ષનાં બાળકોમાં ઇમ્યુનિટી નબળી હોવાને કારણે વારંવાર ઇન્ફેકશનથી બીમારી થઈ જતી હોય છે. સ્કૂલમાં રમત-ગમત દરમ્યાન અન્ય સંક્રમિત વ્યક્તિનાં થૂંક, એંઠા વાસણ-ગ્લાસ કે ક્યારેક હવા દ્વારા સંક્રમણ થવાની સંભાવના બાળકોમાં વધુ હોય છે. જમતાં-નાસ્તો કરતાં પહેલાં હાથ સાફ ન હોય કે રમકડાં વગેરે વસ્તુઓ મ્હોંમાં નાંખવાથી પણ ગળામાં ઇન્ફેકશન થવાથી બાળકોમાં કાકડાનું ઇન્ફેકશન થતું જોવા મળે છે.
• ગળાનો પાછળની બાજુએ બન્ને તરફ આવેલી ગલગ્રંથિ- ટોન્સિલ્સમાં સોજો આવવાથી જમવા, પાણી પીવા દરમ્યાન અને સોજાની તીવ્રતા વધુ હોય ત્યારે થૂંક ગળવાથી પણ ગળામાં દુઃખાવો થાય છે.
• સોજો ભલે ગળામાં હોય પરંતુ તેને કારણે માથામાં દુખાવો, કાનમાં ચસકા મારવા, તાવ આવવો, ભૂખ ઓછી થઇ જવી જેવાં લક્ષણો થતાં હોય છે.
• માત્ર બાળકો જ નહીં યુવાનોમાં પણ આ રોગ થતો જોવા મળે છે.
• ગળાના વારંવાર થતાં ઇન્ફેકશન સાથે સાયનસાઈટીસ થતું રહેતું હોય તેવા યુવાન-યુવતીઓના ટોન્સિલ્સમાં પણ સોજો, ઇન્ફેકશન, દુખાવો થતો હોય છે.
• ટોક્સિસીટીને કારણે સતત થાક, અશક્તિ, સ્નાયુઓમાં દુખાવો જેવી તકલીફ વારવાર ઈન્ફેક્ટ થતાં કાકડાને કારણે થયા કરવાથી કંટાળીને ટોન્સિલ્સને કાપવાનું ઓપરેશન પણ કરાવવું પડ્યું હોય છે.
ટોન્સિલ કાકડા શું છે?
• શરીરનું સંક્રમણથી રક્ષણ કરતી ગ્રંથિ – કાકડા
ગળાની પાછળની તરફ બન્ને તરફ રહેલી લિમ્ફગ્લેન્ડનો ઉભાર જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં ગળાની આંતરત્વચા જેવી ગુલાબી-લાલ રંગની આ બન્ને ગ્રંથિઓ શરીરની આગળી હરોળનાં સંરક્ષકો છે.
• હવામાંના સંક્રમણ કે પછી ખોરાકમાં રહેલ બેક્ટેરિયા વગેરેનો સંપર્ક થતાં ટોન્સિલ્સમાં રહેલ M સેલ્સ તેને ઓળખી લઈ અને પ્રતિકાર માટે ટોન્સિલ્સમાં રહેલ B અને T સેલ્સને એલર્ટ કરે છે. જેને પરિણામ સ્થાનિક અને સમગ્ર શરીરમાં પ્રતિકારની ક્રિયા શરૂ થાય છે.
• આ પ્રતિકાર દરમ્યાન ટોન્સિલ્સમાં સોજો આવવાથી ઘણી તકલીફ થતી હોય છે.
કાકડા વિષે માહિતી
આજનાં સમયની મારામારી અને અભ્યાસ, નોકરી, બિઝનેસવગેરેમાં થતી કોમ્પિટિશનવાળા માહોલમાં વારંવાર થતી બિમારીથી છૂટવા ન છૂટકે કાકડાનું ઓપરેશન કરાવવાનો નિર્ણય લેવાતો હોય છે. ક્યારેક એડેનોઈડસ, હાયપરપ્લેસિયા અને ફાઈબ્રોસિસ જેવી વિકૃતિને પરિણામે ટોન્સિલનું ઓપરેશન કરવું પડશે એવો ભય સેવાતો હોય ત્યારે આયુર્વેદ મદદ કરી શકે એવી આશાથી રોગીઓ આવતા હોય છે.
• જેઓને વ્યક્તિગત પરીક્ષણ અને જરૂરિયાત મુજબ દવાઓ,
• કાકડા પર લગાવવા માટે લેપ, ગંડૂષ (ઔષધિઓનાં ક્વાથ મોંમાં ભરી રાખી અને કોગળો કરવાને ગંડૂષ કહે છે)થી ઇન્ફેકશન દૂર કરી, કાકડાની ગ્રંથિનો સોજો ઉતારી, કાકડાની ત્વચામાં રક્ત પરિભ્રમણ યોગ્ય કરી અને કાકડાનું કાર્ય યોગ્ય રીતે કરવામાં મદદ કરે તેવી દારૂહળદર, અમૃતા, નીંબ, કટુકી, ઇન્દ્રજવ, મુસ્તા, ફટકડી વગેરે ઔષધિઓના યોગ વૈદ નક્કી કરી ગંડૂષ માટેનો ક્વાથ સૂચવે છે.
• આ ઉપરાંત શરીરની વ્યાધિક્ષમતા સુધારે તેવા ઔષધો, ખોરાકનું લાંબા સમય માટે વૈદના માર્ગદર્શનમાં દવા, કોગળા લેપ, ખોરાકમાં કાળજી વગેરે રાખવાથી વારંવાર થતાં ઇન્ફેક્શન, સોજો, તાવ વગેરે દૂર થાય છે.
•ખરેખર કાકડા લીમ્ફોઈડ અવયવ છે. લિમ્ફનું કાર્ય રક્તની તેને સમાંતર પ્રવાહણ કરી શરીર માટે નુકશાનકારક જીવાણું, દ્રવ્યોનું શરીરની બહાર નિકાલ કરવાનું કામ છે. સંક્ર્મગ્રથી પ્રવેશેલાં જીવાણુને નિષ્ક્રિય કરી સંક્રમણ થતું અટકાવવાની કામગીરી કરતી મહત્વપૂર્ણ ગ્રંથિ એવી કાકડામાં જ વારંવાર સંક્રમણ લાગે ત્યારે સમગ્ર શરીરની અને કાકડાની બન્નેની વ્યાધિક્ષમતા જળવાય તેવા સ્થાનિક લગાવવાના, કોગળા કરવાનાં તથા ગોળી-ક્વાથ જેવા ઔષધો, ખોરાકથી પ્રયત્ન આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિથી કરવામાં આવે છે.
કાકડાના લક્ષણો
• કાનમાં દુખાવો
• બોલવા, જમવા, પાણી પીતા ગળામાં દુખાવો, ભૂખ મરી જવી
• શરીરમાં કળતર, તાવ
• શ્વાસમાં દુર્ગંધ આવવી
• ટોન્સિલેક્ટોમી કરાવતાં પહેલાં:
સામાન્ય સૂચનો :
• અતિશય ઠંડી હવા, ભેજવાળી હવા, પ્રદૂષણ-ધૂળ-ધૂમાડા, કેમિકલયુક્ત વાતાવરણ, તીવ્ર ગંધવાળા વાતાવરણનો સામનો કરવાનું બને ત્યાં સુધી ટાળવું.
• નાક પર માસ્ક તથા પ્રદૂષિત વાતાવરણમાં મોં ખુલ્લું ન રહે તેનું ધ્યાન રાખી ગળા-નાકને ઉત્તેજીત કરે તથા હવા દ્વારા અન્યનું સંક્રમણ ન લાગે તે માટે સાવચેત રહેવું.
• બહારથી ઘરે આવ્યા બાદ, નાસ્તો કે મુખ્ય ભોજન બાદ સાદા પાણીથી ગળું સાફ થાય તે રીતે કોગળા કરવાની ટેવ રાખવી.
• રાત્રે સૂતા પહેલાં ઉકળતા પાણીમાં હળદર, જેઠીમધ, એલચી, શુદ્ધ ફટકડી નાંખી, ઢાંકીને ઠંડુ થયા બાદ તેનાથી કોગળા કરવા.
• ઠંડા પીણાં, દહી, ઠંડી છાશ, શ્રીખંડ, આઈસ્ક્રીમ જેવા ગળામાં ક્ષોભ કરે તેવી વાનગી છોડી દેવી.
• બાળકોને દૂધમાં કળદર, વાવડિંગ નાંખી ઉકાળીને ઠંડુ કરી આપવું.
• સાયનસાઇટીસ રહેતું હોય તેઓએ ઉકળતા પાણીમાં અજમો, કપૂર નાખી નાસ લેવો.