દેશમાં ટામેટાના ભાવમાં અસાધારણ ઉછાળાની અસર આમ જનતાની સાથે મલ્ટિનેશનલ કંપનીઓને પણ પડી રહી છે. તાજેતરમાં મેકડોનાલ્ડના મેનુમાંથી ટામેટા ગાયબ થયા છે. આ આ અંગેની ‘મેકડોનાલ્ડ્સ’ની નોટિસ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. નોટિસમાં રેસ્ટોરન્ટે ગ્રાહકોને કહ્યું છે કે તેમને સારી ગુણવત્તાના ટામેટાં નથી મળી રહ્યા, જેના કારણે કેટલીક મેકડી રેસ્ટોરન્ટ્સે ટામેટાંની પ્રોડક્ટ્સને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં હાલમાં ટામેટાના ભાવ કિલો દીઠ રૂ.120ની નજીક પહોંચ્યાં છે, જે સામાન્ય રીતે કિલોદીઠ રૂ.15થી 20માં વેચાતા હોય છે.
કંપનીએ જણાવ્યું હતું કે અમે તમને શ્રેષ્ઠ સામગ્રી સાથે શ્રેષ્ઠ ફૂડ પીરસવા માટે હંમેશાં પ્રતિબદ્ધ છીએ. પરંતુ, અમારા તમામ પ્રયત્નો છતાં, અમે અમારી ચોક્કસ ગુણવત્તાની કસોટીમાં પાસ થવા માટે પૂરતા ટામેટાંની ખરીદી કરી શકતા નથી. એટલા માટે અમે અમારી કેટલીક રેસ્ટોરન્ટમાં મેનૂમાંથી ટામેટાં કાઢી નાખીએ છીએ. આ સ્થિતિ કાયમી નથી. હાલમાં અમે અમારા ટામેટાંનો પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. ખૂબ જ ટૂંક સમયમાં ટામેટાં અમારા મેનૂ પર આવશે.