ભારતમાં ટામેટાના ભાવ પ્રતિકિલો રૂ.150એ પહોંચ્યા છે ત્યારે મેકડોનાલ્ડ પછી હવે અમેરિકન ફાસ્ટ ફૂડ ચેઇન બર્ગર કિંગે તેના મેનુમાંથી ટામેટા ગાયબ કર્યા છે. કંપનીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે “ટામેટાના પાકની ગુણવત્તા અને પુરવઠાની અણધારી સ્થિતિને કારણે અમે અમારા ફૂડમાં ટામેટાં ઉમેરી શકતા નથી. પરંતુ ખાતરી આપીએ છીએ કે ટામેટાં ટૂંક સમયમાં પાછા આવશે.
આમ ઊંચા ભાવ અને સપ્લાયની સમસ્યા વચ્ચે મેકડોનાલ્ડ્સ અને સબવે બાદ હવે દિગ્ગજ કંપની બર્ગર કિંગે પણ ટામેટાંના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ભારતમાં સ્થિત દરેક આઉટલેટ પર લાગુ કરવામાં આવી રહ્યો છે. આ પછી કંપનીએ ઘણા આઉટલેટ્સ પર નોટિસ ચોંટાડીને ગ્રાહકોને આ વિશે જાણ કરી છે. બર્ગર કિંગે પોતાના આઉટલેટ્સની બહાર એક નોટીસ લગાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બર્ગર કિંગના દેશભરમાં 400થી વધુ સ્ટોર્સ છે. તેની વેબસાઈટ પર આ અંગે માહિતી આપતા કંપનીએ જણાવ્યું છે કે, બજારમાં ટામેટાંની ઓછી સપ્લાય અને ગુણવત્તાની સમસ્યાને કારણે કંપનીએ ટામેટાંનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે કંપનીએ આશા વ્યક્ત કરી છે કે ટામેટાંની સપ્લાય યોગ્ય થયા બાદ ફરી એકવાર તેમના મેનુમાં ટામેટાની એન્ટ્રી થશે.