ભારતના હાઈ કમિશનની બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલી તોડફોડ અને અવ્યવસ્થા અંગે તા. 17ના રોજ સરકાર તરફથી હોમ ઓફિસના સ્ટેટ મિનિસ્ટર એમપી ટોમ ટુગેન્ધાતે પાર્લામેન્ટમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘’સરકાર ભારતીય હાઈ કમિશનની રક્ષણાત્મક સુરક્ષાને અત્યંત ગંભીરતાથી લે છે. સરકાર સમગ્ર યુકેમાં મિશનની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, જેમાં આવી ઘટનાઓને અટકાવવા અને ઝડપથી અને મજબૂત રીતે પ્રતિસાદ આપવાનો સમાવેશ થાય છે.‘’
18મી માર્ચના વિકેન્ડ દરમિયાન ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલા બાદ યુકે સરકાર રાજદ્વારી મિશનની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લઈ રહી છે તેવા સ્ટોકપોર્ટના એમપી નવેન્દુ મિશ્રાના પ્રશ્ન બાબતે એમપી ટોમ ટુગેન્ધાતે જણાવ્યું હતું કે ‘’ભારતીય હાઈ કમિશનના સ્ટાફ પર ગુનાહિત નુકસાન અને હુમલાઓ અસ્વીકાર્ય હતા. પોલીસ પાસે આવા કૃત્યોનો સામનો કરવાની સત્તા છે. જો કે, આ સત્તાઓનો ઉપયોગ પોલીસ માટે ઓપરેશનલ બાબત છે અને સંભવિત ફોજદારી કાર્યવાહી અંગેના નિર્ણયો ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે મળીને લેવામાં આવશે.’’
તેમણે જણાવ્યું હતું કે ‘’રાજદ્વારી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી ન આપવાની અમારી લાંબા સમયથી ચાલતી નીતિ છે. આમ કરવાથી તે વ્યવસ્થાઓની અખંડિતતા સાથે સમાધાન થઈ શકે છે અને સંબંધિત વ્યક્તિઓ અને સ્થાનોની સુરક્ષાને અસર થઈ શકે છે.’’
આ અગાઉ એમપી નવેન્દુ મિશ્રા સહિત માઈક એમ્સબરી, એમપી; ઉન્મેષ દેસાઈ, એએમ; ક્રુપેશ હિરાણી, એએમ; વિરેન્દ્ર શર્મા, એમપી; ટ્યૂલિપ સિદ્દીક, એમપી; ગેરેથ થોમસ, એમપી અને સ્ટીફન ટિમ્સ, એમપીએ ઘટનાને વખોડી કાઢી ભારતીય હાઇકમિશ્નરને પત્ર લખ્યો હતો.