સમગ્ર વિશ્વમાં કોરોનાના ગંભીર પ્રકોપના કારણે ટોક્યો ઓલમ્પિક રમત એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે આવતા વર્ષે યોજાનારી ઓલમ્પિક રમત ક્યારે રમાશે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ઓલમ્પિક ગેમ્સ આગામી વર્ષે 23 જુલાઈથી 8 ઓગસ્ટ 2021 દરમિયાન જાપાનના ટોક્યો શહેરમાં જ યોજાશે. જેને ઓલમ્પિક 2020ના નામથી જ ઓળખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના અધ્યક્ષ થામસ બાક સાથે વાતચીત કરી હતી જ્યારબાદ ટોક્યો ઓલમ્પિક ગેમ્સને એક વર્ષ માટે સ્થગિત કરી દેવાની વાત અંગે જાહેરાત કરવામાં આવી હતી.
આબેએ આઈઓસી અધ્યક્ષ થામસ બાક સાથે ચર્ચા કર્યા બાદ કહ્યું હતું કે મેં ગેમ્સને એક વર્ષ સુધી સ્થગિત કરવા માટેની રજૂઆત કરી હતી. મારી આ રજૂઆત પર અધ્યક્ષ બાકે સો ટકાની સંમતિ દર્શાવી હતી. આઈઓસીના સભ્ય ડિક પાઉન્ડે પણ કહ્યું હતું કે ટોક્યો ઓલમ્પિક ગેમ્સના આયોજનને એક વર્ષ સુધી ટાળવામાં આવશે.