ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારત તરફથી પહેલી વખત એક યુગલ અને સાળી-બનેવીની જોડી સ્પર્ધાના મેદાનમાં ઉતરશે. તિરંદાજીમાં દીપિકા કુમારી અને અતનુ દાસ પતિ-પત્ની છે અને તેઓ પાસેથી દેશને મેડલની આશા છે. આ યુગલ તાજેતરમાં તિરંદાજીના વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યું છે. તો કુસ્તીબાજીમાં બજરંગ પુનિયા અને તેમના સાળી વિનેશ ફોગાટ પણ ભારત માટે મેડલ લાવવાની ક્ષમતા ધરાવે છે. બોક્સિંગમાં મેરી કોમ અને ટેનિસમાં સાનિયા મિર્ઝા માટે આ છેલ્લી ઓલિમ્પિક છે અને બન્ને મેડલ હાંસલ કરી તેને યાદગાર બનાવવા આતુર છે. દીપીકા કુમારી અને અતનુ દાસ જોડી નંબર વન છે. વિશ્વકપમાં દિપિકા 9 અને અતનુ દાસ સાત મેડલ જીતી ચૂક્યા છે. એમાં બે-બે ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. એક વર્ષ પહેલા જ બંનેના લગ્ન થયા છે. દીપિકા માટે આ ત્રીજી તથા અતનુ માટે બીજી ઓલિમ્પિક્સ છે.