પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રવિવારે કોલકાતાના પ્રખ્યાત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે 'જન ગર્જના સભા'ને સંબોધી હતી. (ANI Photo)

પશ્ચિમ બંગાળના કોલકાતાના પ્રખ્યાત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રવિવારે ‘જન ગર્જના સભા’ને સંબોધતાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) વડા મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં એકલાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો પક્ષ રાજ્યમાં માત્ર ભાજપ જ નહીં, પરંતુ સીપીઆઈ (એમ) અને કોંગ્રેસનો પણ મુકાબલો કરશે. મમતાની જાહેરાત સાથે બંગાળમાં હવે ભાજપ, ડાબેરી-કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ત્રિકોણ જંગ થશે. આનાથી એકસાથે ચૂંટણી લડવાના ઇન્ડિયા ગઠબંધનના પ્રયાસોને પણ મોટો ફટકો પડ્યો હતો.

મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે હું પશ્ચિમ બંગાળમાં ડિટેન્શન કેમ્પો ખોલવા અને NRCનો અમલ કરવા દઇશ નહીં. અમે બંગાળમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડીશું તથા કોંગ્રેસ, ભાજપ અને સીપીઆઈ(એમ) સામે લડીશું. અમે આસામ અને મેઘાલયમાં પણ ચૂંટણી લડીશું. અમે યુપીએમાં એક લોકસભા બેઠક લડવા અખિલેશ યાદવ સાથે વાતચીત કરી રહ્યા છીએ.

પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ભંડોળની ઉચાપત થતી હોવાના આક્ષેપ બદલ મોદી પર પ્રહાર કરતાં TMC સુપ્રીમોએ જણાવ્યું હતું કે વડાપ્રધાને બંગાળ અંગે પાયાવિહોણા આક્ષેપો કરતા પહેલા  તથ્યોની તપાસ કરવી જોઈએ. મોદી બંગાળમાં માત્ર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરે છે, પરંતુ રાજ્ય માટે ભંડોળ છૂટું કરતા નથી.

ભાજપની મોદી કી ગેરંટી ઝુંબેશની મજાક ઉડાવતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ શું ગેરંટી આપી રહ્યા છે? તમારી ગેરંટીનું કોઈ મૂલ્ય નથી, જેના કારણે રાંધણ ગેસમાં વધારો થયો હતો. ચૂંટણી પહેલા તેઓ રૂ.100નો ઘટાડો કરે છે અને ચૂંટણી પછી તેમાં રૂ.1000નો વધારો કરે છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments