ચીનની બાઇટડાન્સે તેના લોકપ્રિય વિડિયો પ્લેટફોર્મ એપ ટિકટોકનું હેડક્વાર્ટર અમેરિકામાં રાખવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત પ્રતિબંધથી છટકવા કંપનીએ આ હિલચાલ કરી છે.
બાઇટડાન્સે અમેરિકાના અધિકારીઓ સમક્ષ રજૂ કરેલી યોજના મુજબ અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીનો બહુમતી હિસ્સો ટિકટોક પાસે રહેશે અને ટેકનોલોજી કંપની ઓરેકલ તેની લઘુમતી શેરહોલ્ડર રહેશે.આ યોજના મુજબ રાષ્ટ્રીય સુરક્ષાની અમેરિકાની ચિંતા દૂર કરવા માટે અમેરિકામાંથી ટિકટોકના ડેટા અમેરિકામાં સ્ટોર કરાશે અને ઓરેકલ ડેટા સર્વિસ પ્રોવાઇડર તરીકે કાર્ય કરશે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે છ ઓગસ્ટે એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવ્યું હતું કે ટિકટોક 20 સપ્ટેમ્બર સુધીમાં તેના યુએસ બિઝનેસનું વેચાણ નહીં કરે તો અમેરિકામાં આ વિડિયો એપ પર પ્રતિબંધ મૂકાશે. ભારતે આ વર્ષના જૂનમાં ટિકટોક સહિતની ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.