ગાંધીનગરમાં 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો પધારવાના છે, જેને અનુલક્ષીને સુરક્ષા અને સલામતીનો સુચારૂ અને વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યો છે, જેનું આવતીકાલથી રીહર્સલ શરુ થશે.
આ અંગે ગાંધીનગરના રેન્જ ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે. આ સમગ્ર બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગીફ્ટ સીટી, રાજ ભવન, રોડ બંદોબસ્ત અને મોર્ચા સ્ક્વૉડનો સમાવેશ થાય છે. જેમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP, 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્ક્વૉડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તહેનાત રહેશે, એટલું જ નહિ, આડેધડ પાર્કિંગ ન થાય તેની તકેદારી માટે 34 ટ્રાફિક ક્રેઇન પણ શહેરના માર્ગો પર ફરશે.
આ ઉપરાંત મહાત્મા મંદિર, સેકટર-17 એક્ઝિબિશન તથા ગીફટ સિટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા થ્રીડી મેપીંગ કરાયું છે તથા જરૂરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કીંગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી-એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે. ડીપ્લોયમેન્ટ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ માટે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે ફ્રીકવન્સી ચેનલ ઉભી કરવામાં આવેલ છે. તમામ સ્થળો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દવારા સિકયુરીટી મોનીટરીંગ માટે અલગ અલગ કંન્ટ્રોલ રૂમ તેમજ સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે તથા અમદાવાદ શહેર તથા ગાંધીનગર જીલ્લા પોલીસ એક બીજા સંકલનમાં રહે તે માટે રીપીટર થ્રુ ચેનલ ઉભી કરવામાં આવી છે.