વાજબી કારણો વિના કોવિડ ટિયર 4 વિસ્તાર છોડનાર અને તેમા પ્રવેશ કરનાર લોકોને પોલીસ દંડ કરશે અને લંડનના રેલ્વે સ્ટેશનો પર ભારે ભીડ જમા થવાના અહેવાલોને પગલે બિન-જરૂરી મુસાફરી કરનાર લોકોને રોકવા માટે વધારાના અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. જો કે ક્રિસમસ વખતે લોકોને રોકવા માટે રોડ બ્લોક કરવાનો અથવા નિયમિતપણે વાહનોને રોકવાનો પોલીસનો કોઈ ઇરાદો નથી.
લંડનના ટ્રાન્સપોર્ટ હબ પર ભીડ ભરેલા દ્રશ્યોને પગલે, બિનજરૂરી મુસાફરીને અટકાવવા રેલ્વે સ્ટેશનો પર વધારાના અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે રવિવારે સૂચના આપી હતી કે પોલીસને ટિયર 4 વિસ્તાર છોડવાનો પ્રયાસ કરતા પરિવારોને રોકવા કહેવામાં આવશે.
નેશનલ પોલીસ ચિફ્સ કાઉન્સિલના અધ્યક્ષ, માર્ટિન હ્યુવિટે કહ્યું હતું કે “અમે લોકોને નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવા અમારી હાજરી વધારીશું. રોડ બ્લોક કરવાનો કે નિયમિતપણે વાહનોને રોકવાનો અમારો કોઈ ઇરાદો નથી. પોલીસ લોકો સાથે સંલગ્ન રહેશે અને નિયમોનું પાલન કરવા માટે તેમને પ્રોત્સાહિત કરશે. જ્યાં જરૂરી હોય ત્યાં, અમે નિયત દંડની સૂચનાનો ઉપયોગ કરીને અમલ કરીશું.”
શનિવારે છેલ્લી ઘડીની ઘોષણા બાદ લંડનના ટ્રેન સ્ટેશનો પર લોકોએ ધસારો કર્યો હતો અને સાંજે 7 વાગ્યા સુધીમાં પેડિંગ્ટન, કિંગ્સ ક્રોસ અને હ્યુસ્ટન સહિતના ઘણા સ્ટેશનોથી કે ઑનલાઇન કોઈ ટિકિટ મળી ન હતી.
લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે ‘’લંડનના રેલ્વે સ્ટેશનો પર થયેલી ભીડ વડાપ્રધાનની જાહેરાતનુ સીધુ પરિણામ હતી. હું લંડનવાસીઓને નવા નિયમોનું પાલન કરવા વિનંતી કરૂ છું અને તમે તમારી સાથે લંડનથી તે વાયરસ તમારા મમ, ડેડ, વૃદ્ધ સંબંધીઓ સુધી ન લઇ જશો.”