ભારતીય ટેકનોલોજી ઉદ્યોગે ગત વર્ષે અમેરિકામાં 103 બિલિયન ડોલરની આવક ઊભી કરી હતી અને 2,07,000 લોકોને સીધી રોજગારી આપી હતી. 106,360 ડોલરના સરેરાશ વેતન સાથે 2017થી રોજગારીમાં 22 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. નાસકોમ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા એક રીપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
નાસકોમ અને IHS માર્કેટ (જે હવે S&P ગ્લોબલનો ભાગ છે) ના રીપોર્ટ મુજબ ભારતીય ટેકનોલોજી ઉદ્યોગની સીધી અસરથી અમેરિકન અર્થતંત્રને અત્યાર સુધીમાં કુલ 396 બિલિયન ડોલરનું વેચાણ કરવામાં કરવામાં મદદ મળી છે, જે કુલ 1.6 મિલિયન જોબ્સમાં સહયોગ આપે છે અને દેશના અર્થતંત્રમાં 198 બિલિયન ડોલરનું યોગદાન આપે છે. આ આંકડો 2021માં અમેરિકાના 20 રાજ્યોના સંયુક્ત અર્થતંત્ર કરતાં વધુ છે.
નાસકોમના પ્રેસિડેન્ટ દેબજાની ઘોષે જણાવ્યું હતું, કે ભારતીય ટેકનોલોજી ઉદ્યોગ ફોર્ચ્યુન 500 કંપનીઓમાં 75 ટકાથી વધુ સાથે કામ કરે છે, જેમાંથી મોટાભાગની કંપનીની મુખ્ય ઓફિસ અમેરિકામાં છે અને તેથી તે ડિજિટલ યુગના નિર્ણાયક પડકારોને સમજવા અને તેને પૂર્ણ કરવા માટે સારી રીતે સજ્જતાથી કામ કરે છે.
ભારતીય ટેક્નોલોજી કંપનીઓએ 1.1 બિલિયન ડોલરથી વધુનું યોગદાન આપ્યું છે અને અંદાજે 180 યુનિવર્સિટી, કોલેજો અને કોમ્યુનિટી કોલેજો તથા અન્ય સાથે ભાગીદારી કરી છે, જેથી અમેરિકામાં સંલગ્ન બાબતોને મજબૂત અને વિવિધતાપૂર્વ બનાવી શકાય. આ ઉદ્યોગે ફક્ત K-12 પહેલ માટે ત્રણ મિલિયન ડોલરથી વધુનું યોગદાન આપ્યું છે. આ પ્રયાસો અમેરિકામાં અત્યાર સુધીમાં 2.9 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી પહોંચી શક્યા છે.
ઉપરાંત આ ક્ષેત્રમાં 2,55,000થી વધુ કર્મચારીઓના કૌશલ્યમાં વિકાસ થયો છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ, છેલ્લા એક દસકામાં, નોર્થ કેરોલિના જેવા રાજ્યોમાં રોજગારી દરમાં 82 ટકાની વૃદ્ધિ થઇ છે. દેબજાની ઘોષે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારતીય ટેક્નોલોજી ઉદ્યોગે સ્થાનિક રોકાણો, નવીનતા, કર્મચારીઓને ઉત્તેજન આપીને અને સ્થાનિક કર્મચારીઓમાં કુશળતા વિકસાવી અમેરિકન અર્થતંત્રમાં નિર્ણાયક યોગદાન આપ્યું છે.