ગુજરાતમાં અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં 12 સપ્ટેમ્બર સુધીના છેલ્લાં ત્રણ દિવસમાં દરરોજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડે છે. અમદાવાદમાં બપોરે કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. બપોરે રાતના અંધારા જેવી સ્થિતિ જોવા મળી છે અને કાળાં ડિબાંગ વાદળો છવાયાં બાદ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં ચોમાસાની આ સિઝનમાં કુલ 37 ઇંચ વરસાદ નોંધાયો છે.
રવિવારે શહેરમાં આશરે બે ઇંચ વરસાદથી ૧૬થી વધુ વિસ્તારોમાં અનેક રસ્તા પાણીમાં ગરકાવ થઇ જતાં વાહનચાલકો પરેશાન થયા હતા અને ટ્રાફિકજામની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
શનિવારે અન્ય વિસ્તારોમાં ઝરમર અને હળવા ઝાપટા નોંધાયા હતા. પરંતુ રવિવારે સાંજે ફરી એ જ પ્રકારનું વાતાવરણ સર્જાયુ હતું અને ભારે ગાજવીજ સાથે પૂર્વ, દક્ષિણ, મધ્ય, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એકથી બે ઇંચ વરસાદ પડી ગયો હતો. તેમાંય સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ ફક્ત પાલડી વિસ્તારમાં પડી જતાં તમામ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. પાલડી, નવરંગપુરા, આંબાવાડી, એલિસબ્રિજ, સી.જી.રોડ, પંચવટી, પરિમલ ગાર્ડન, સ્ટેડિયમ, નારણપુરા અને વાડજ સુધીનાં વિસ્તારોમાં તોફાની વરસાદથી રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યા હતા
પૂર્વ ઝોનનાં નિકોલને બાદ કરતાં ચકુડિયા, ઓઢવ, વિરાટનગર, રામોલ-હાથીજણ વિસ્તારમાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણમાં મણિનગર આસપાસનાં વિસ્તારોમાં પોણા બે ઇંચ જેટલો અને વટવા આસપાસનાં વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. મણિનગરનાં દક્ષિણી, ગોરનો કૂવા, જવાહર ચોક, ઇસનપુર, ભૈરવનાથ, રામબાગ, કૃષ્ણબાગ સહિતનાં વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાઇ ગયાં હતા.
મ્યુનિસિપલ કંટ્રોલરૂમની યાદી અનુસાર, શહેરમાં એક કલાકનાં સમયગાળામાં એકથી બે ઇંચ જેટલો ભારે વરસાદ પડી જવાનાં કારણે વરસાદી પાણીનાં ઝડપથી નિકાલ માટે વાસણા બરાજનો એક દરવાજો ખોલાવવામાં આવ્યો હતો.
વીજળી પડવાથી બેના મોત
સુરત જિલ્લામાં 12 સપ્ટેમ્બર સુધીની છેલ્લાં ચાર દિવસથી ગાજવીજ સાથે અને ભારે પવન સાથે ઠેરઠેર વરસાદ નોંધાયો હતો. રવિવારના રોજ ઉમરપાડાના ચોખવાડા વિસ્તારમાં 4 લોકો પર વીજળી પડી હતી જેમાં એક તરુણનું મોત નીપજ્યું હતું. ખેતરમાં રહેલા 4 લોકો પર વીજળી પડતા ચાર પૈકીનો સાહિલ રમેશભાઈ વસાવા નામના 14 વર્ષય તરુણનું પોતાના ખેતરમાં મોત નીપજ્યું હતુ જ્યારે તેમની સાથે રહેલા અન્ય ત્રણ ઇજાગ્રસ્તને ઉમરપાડાની સરકાર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનાં સુબિર મહાલ માર્ગ ઉપર આવેલ કડમાળ ગામનાં મોહનભાઈ ગંગાજ ભાઈ પવાર ઉ.55 વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત થતા ગામ માં ગમી ગમી છવાઈ જવા પામી હતી