વડોદરામાં 27 ઓગસ્ટે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આંશિક રીતે પાણીમાં ગરકાવ થયું હતું. (ફાઇલ ફોટો) . (ANI Photo)

હવામાન વિભાગની ગુજરાતના અનેક જિલ્લામાં 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સોમવાર 99 તાલુકામાં વરસાદ 2થી 8 ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાના સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. ડાંગમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજ્યના તાપી, ડાંગ, સુરત, પંચમહાલ, મહિસાગર, દાહોદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર તાલુકમાં બે ઇંચથી આઠ ઇંચ સુધીનો વરસાદ પડતાં જનજીવનને અસર થઈ હતી. આખો દિવસ કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાંજે અમદાવાદ શહેરોમાં પણ ધોધમાર વરસાદ ચાલુ થયો હતો.

હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું હતું. રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા હોવાથી ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું NDRFની ટીમે રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં હતાં.

ગુજરાતના બીજા ક્રમના સૌથી મોટા ડેમ ઉકાઇ ડેમની જળસપાટીમાં સોમવારે વધારો થતાં પાણી છોડાયું હતું અને તેનાથી તાપી નદીના કિનારા પરના ગામોને એલર્ટ કરાયા હતાં.ડેમના 8 દરવાજા 1.52 મીટર ખોલવામાં આવ્યા  હતા. અંબિકા નદીમાં બે ટ્રક ફસાતા 10થી વધુ લોકોના જીવન પર જોખમ ઊભું થયું હતું.

ભારતીય હવામાન વિભાગે 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા ભાવનગર, આણંદ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યના બાકીના મોટાભાગના વિસ્તારમાં 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

2 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ભરૂચ અને નર્મદા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

3 સપ્ટેમ્બરે વડોદરા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ નોંધપાત્ર વરસાદ પડી શકે છે. 4 સપ્ટેમ્બર, દક્ષિણ ગુજરાત પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ, ખાસ કરીને આણંદ અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. દરમિયાન, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને બોટાદમાં ભારે વરસાદની યલો વોર્નિંગ અપાઈ હતી.

5 સપ્ટેમ્બરે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ સહિત ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

LEAVE A REPLY