પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાશ્મીર જેવા સળગતા મુદ્દા પર ગંભીર અને નિષ્ઠાવાન મંત્રણા કરવાનો અનુરોધ કર્યો છે. દુબઈ સ્થિત અલ અરેબિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં શરીફે કહ્યું કે ભારત સાથેના ત્રણ યુદ્ધો પછી પાકિસ્તાને તેનો પાઠ શીખ્યો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે તે તેના પાડોશી સાથે શાંતિ ઈચ્છે છે.
દુબઈ સ્થિત અરેબિક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, “અમારે ભારત સાથે ત્રણ યુદ્ધો થયા છે, અને તે લોકો માટે વધુ દુઃખ, ગરીબી અને બેરોજગારી લાવ્યા છે.”અમે અમારો પાઠ શીખ્યો છે, અને અમે ભારત સાથે શાંતિથી રહેવા માંગીએ છીએ, જો કે અમે અમારી વાસ્તવિક સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ છીએ.”
તેમણે જણાવ્યું હતું કે ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન મોદીને મારો સંદેશ છે કે ચાલો ટેબલ પર બેસીએ અને કાશ્મીર જેવા સળગતા મુદ્દાને ઉકેલવા માટે ગંભીર અને નિષ્ઠાવાન વાતચીત કરીએ. તે આપણા પર નિર્ભર છે કે શાંતિથી જીવવું અને પ્રગતિ કરવી કે એકબીજા સાથે ઝઘડો કરવો અને સમય અને સંસાધનોનો બગાડ કરવો.
આર્થિક તંગી દુર કરવા પર ભાર મુકતા તેમણે કહ્યું કે અમે દેશમાંથી ગરીબી ખતમ કરવા ઈચ્છીએ છીએ. આ સાથે જ દેશમાં સમૃદ્ધિ પણ લાવવા માંગીએ છીએ. અમે અમારા લોકોને સારું શિક્ષણ, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ અને રોજગાર આપવા માંગીએ છીએ. અમે બોમ્બ અને દારૂગોળો બનાવવામાં અમારા સંસાધનો ખર્ચા કરવા માંગતા નથી. આ મારું વિઝન છે અને હું આ સંદેશ મોદીને પણ આપવા માંગુ છું.
તેમણે જણાવ્યું હતું કે હું મોદીને કહેવા માંગુ છું કે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તેને રોકવાની જરૂર છે. કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ.