અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટમાં એકે-47ની સાથે ત્રણ કિશોર ઘુસી જતાં હોબાળો સર્જાયો હતો. તેમને શોધવા માટે હેલિકોપ્ટર અને સ્નીફર ડોગની મદદ લેવામાં આવી હતી. અંતે ત્રણેય કિશોરોને પકડી લેવામાં આવ્યા હતાં. આ ઘટના ફલોરિડા પ્રાંતના પામ બીચ સ્થિત માર-એ-લાગો રિસોર્ટની છે. પામ બીચ પોલીસના પ્રવક્તા માઇકલ ઓગરોડોનિકના જણાવ્યા અનુસાર ત્રણેય ત્રણ કિમી દૂર એક કારમાં દેખાયા હતાં.
પોલીસની ગાી જોઇને તે ભાગ્યા હતાં અને રિસોર્ટની દીવાલ કૂદીને અંદર સંતાઇ ગયા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૫ વર્ષના તરુણોને એ પણ ખબર ન હતી કે તે ક્યાં આવી ગયા છે. તેમણે ગોળીબાર પણ કર્યો ન હતો. પૂછપરછમાં કિશોરોએ જણાવ્યું તેમને એકે-૪૭ રસ્તામાંથી મળી હતી. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઘટના સમયે રિસોર્ટમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ કે તેમના કોઇ પરિવારજનો હાજર ન હતાં. જો તે સમયે તેઓ ત્યાં હોત તો સિક્રેટ સર્વિસ એજન્ટ ત્રણેય પર ગોળી ચલાવી શક્તા હતાં.
આ ત્રણેય તરુણોને હાલમાં બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે. ત્યાં નક્કી કરવામાં આવશે કે તેમના પર સગીર તરીકેનો કેસ ચલાવવામાં આવે કે નહીં. આ દરમિયાન અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને અન્ય અમેરિકન સાંસદોએ હિંસાનો ત્યાગ કરવાની અપીલ કરી છે.