જમ્મુના રાજોરી જિલ્લામાં ગુરુવારની વહેલી સવારે બે ત્રાસવાદીઓએ આર્મી કેમ્પ પર કરેલા ફિદાયીન હુમલામાં ત્રણ સૈનિક શહીદ થયા હતા. સુરક્ષા દળોએ વળતો હુમલો કરીને બંને ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. સ્વતંત્રતા દિનના ચાર દિવસ પહેલા આર્મી કેમ્પ પર આ હુમલો થયો છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાના આશરે ત્રણ વર્ષ પછી પ્રથમ ફિયાયીન હુમલો થયો છે.
પીઆરઓ (ડિફેન્સ) જમ્મુ લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે રાજોરી જિલ્લામાં પરગલ ખાતેની ઇન્ડિયન આર્મી પોસ્ટના એલર્ટ જવાનોએ શંકાસ્પદ લોકોને શોધી કાઢ્યા હતા, જેઓ ખરાબ હવામાન અને ગાઢ જંગલનો લાભ લઈને આર્મી પોસ્ટ તરફ આગળ વધી રહ્યાં હતા. સૈનિકોએ તેમના પડકાર્યા હતા, તેથી ત્રાસવાદીઓએ ગ્રેનેડ ફેંકીને પોસ્ટમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એલર્ટ સૈનિકોએ એરિયાને ઘેરી લીધો હતો અને સામે-સામે ગોળીબાર થયો હતો. તેમાં ત્રાસવાદીઓ ઠાર થયા હતા.
આનંદે જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલામાં છ સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમાંથી ત્રણ બહાદૂર સૈનિકો લડતા લડતા શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ (રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના માલિગોવેન), રાઇફલમેન લક્ષ્મનન ડી (તમિલનાડુના મદુરાઈ જિલ્લાના ટી પુદુપત્તી ગામ) અને રાઇફલમેન મનોજ કુમાર (હરિયાણાના ફરિદાબાદના શાહજહાનપુર ગામ)નો સમાવેશ થાય છે.
અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ત્રાસવાદીઓએ પરગલ ખાતેના આર્મી કેમ્પના બાહ્ય વાડ તોડીને ઘુસવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રથમ ગોળીબાર સંભળાયો હતો. સ્વતંત્રતા દિનના ચાર દિવસ પહેલા થયેલો આ આતંકી હુમલો આશરે ત્રણ વર્ષ બાદ જમ્મુ અને કાશ્મીરમાં ફિદાયીન હુમલાનું પુનરાગમન દર્શાવે છે. અગાઉ 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા જિલ્લાના લેથપોરામાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.
પોલીસમહાનિર્દેશક દિલબાગ સિહે જણાવ્યું હતું કે આ ત્રાસવાદીઓ પ્રતિબંધિત જૈશે-એ મોહંમદ સાથે સંકળાયેલા હોય તેવું માનવામાં આવે છે. આતંકીઓ કેમ્પમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ઠાર કરાયા હતા.