પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ અમદાવાદની સેશન્સ કોર્ટે સોમવારે ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓ સામે લશ્કરી મથકોની જાસૂસી કરવાનો અને તેની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ને પહોંચડવાનો આરોપ હતો.
અધિક સેશન્સ જજ અંબાલાલ પટેલની અદાલતે મૃત્યુદંડની સજા માટે ફરિયાદ પક્ષની અપીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ત્રણેય દ્વારા કરવામાં આવેલો ગુનો “રેરેસ્ટ ઓફ રેર” કેટેગરીમાં આવતો નથી. કોર્ટે અવલોકન કર્યું હતું કે ત્રણેયને ભારતમાં નોકરી મળી હતી પરંતુ તેમનો પ્રેમ અને દેશભક્તિ પાકિસ્તાન માટે હતી. ભારતના નાગરિક તરીકે પાકિસ્તાન માટે જાસૂસી કરનાર વ્યક્તિએ સ્વેચ્છાએ દેશ છોડી દેવો જોઈએ અથવા સરકારે તેમને શોધીને પાકિસ્તાન મોકલવા જોઈએ.
કોર્ટે સિરાજુદ્દીન અલી ફકીર (24), મોહમ્મદ અયુબ (23) અને નૌશાદ અલી (23)ને ભારતીય દંડ સંહિતા (આઈપીસીની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યાં હતા. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 14 ઓક્ટોબર, 2012ના રોજ જમાલપુર વિસ્તારના રહેવાસી ફકીર અને અયુબની ધરપકડ કરી હતી, જેઓ કથિત રીતે અમદાવાદમાં આર્મી બેઝ અને ગાંધીનગર આર્મી કેન્ટોન્મેન્ટને લગતી ગુપ્ત માહિતી ISIને આપતા હતા. અન્ય આરોપી અને જોધપુરના રહેવાસી નૌશાદ અલીને 2 નવેમ્બર, 2012ના રોજ જોધપુર આર્મી કેન્ટોનમેન્ટ અને BSF હેડક્વાર્ટર વિશે માહિતી આપવાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો હતો.