સરકાર વિરુદ્ધ સંસદથી વિજયચોક સુધીની ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની વિરોધ કૂચના થોડા કલાકો પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વિપક્ષના વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યાં હતાં. સ્પીકરની આકરી કાર્યવાહી પછી હવે સસ્પેન્ડ થયેલા સાંસદોની સંખ્યા વધી 146 થઈ છે. સસ્પેન્ડ કરાયેલા ત્રણ સાંસદો કોંગ્રેસના છે. તેમાં ડીકે સુરેશ, નકુલ નાથ અને દીપક બૈજનો સમાવેશ થાય છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે સુરક્ષા ભંગના મુદ્દા પર વડાધાન નરેન્દ્ર મોદીએ સંસદની અંદર ન બોલીને સંસદીય વિશેષાધિકારનું ઉલ્લંઘન કર્યું છે. સાંસદોના સસ્પેન્શન અને વિપક્ષની ગેરહાજરીમાં મહત્વપૂર્ણ બિલો પસાર થવા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું હતું કે સરકાર ગૃહમાં વિપક્ષ ઇચ્છતી નથી. તે ક્રિકેટ મેચમાં કોઈ ફિલ્ડર વગર બેટિંગ કરવા જેવું છે. તેઓ ઘણા દૂરગામી કાયદા લાવી રહ્યા છે, જે આ દેશના રોજિંદા જીવન પર ગંભીર અસર કરશે, પરંતુ તેઓ આ વિશે કોઈ ચર્ચા કે અસંમતિ ઇચ્છતા નથી.
‘લોકશાહી બચાવો’નું એક વિશાળ બેનર હાથમાં લઇને વિપક્ષે સંસદથી વિજયચોક સુધી કૂચ કાઢી હતી. વિપક્ષી નેતાઓના હાથમાં વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન, ‘સંસદ પાંજરામાં’, ‘લોકશાહીની હકાલપટ્ટી’ જેવા પ્લેકાર્ડ હતાં.
વિપક્ષની આ કૂચ પછી ખડગેએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ લોકસભાની સુરક્ષા ભંગ અંગે સંસદની અંદરની જગ્યાએ સંસદની બહાર નિવેદન આપ્યું છે. સંસદની સુરક્ષાનો કેમ ભંગ થયો અને તેના માટે કોણ જવાબદાર છે તે અંગે અમે સંસદમાં મુદ્દો ઉઠાવવા માગતા હતા. સંસદ એક મોટી પંચાયત છે. જો સાંસદો સંસદમાં નહીં બોલે ત્યાં ક્યાં બોલશે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ગૃહ પ્રધાન શાહ અને વડાપ્રધાન મોદી આ મુદ્દે જાણકારી આપવા માટે સંસદમાં આવ્યા નથી. સંસદમાં બોલવું જોઇએ તેવા મુદ્દે અંગે તેમણે સંસદની બહાર નિવેદનો આપ્યાં છે. પીએમ મોદીએ સંસદનો અનાદર કર્યો હતો