REUTERS/Christinne Muschi

કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં બુધવારે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી ગુજરાતી પરિવારના ચાર સભ્યો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. ગુજરાતી મીડિયાના રીપોર્ટ મુજબ મૃતકોમાં મહેસાણા જિલ્લાના ચૌધરી પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. તેઓ મહેસાણા જિલ્લાના માણેકપુરા ગામના હતા. મૃતકોમાં 50 વર્ષના પ્રવીણભાઈ ચૌધરી, તેમના 45 વર્ષનાં પત્ની દક્ષાબેન તેમની 24 વર્ષની દીકરી વિધિ અને 20 વર્ષનો પુત્ર મિત ચૌધરીનો સામેલ છે.

કેનેડાની પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહો એકવેસેસન નજીક નદી કિનારાના કાદવમાંથી ગત શુક્રવારે મળ્યા હતા. એક્વેસેસન ક્યુબેક અને અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યની વચ્ચેનો વિસ્તારનો એક કમ્યુનિટી વિસ્તાર છે.

કેનેડાની પોલીસે જણાવ્યું હતું કે મૃતકો ભારત અને રોમાનિયા મૂળના બે પરિવારોના હોવાનું માનવામાં આવે છે. તેઓ કેનેડામાંથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. એકવેસેસન મોહોક પોલીસ વડા શોન ડુલુડે જણાવ્યું હતું કે કમનસીબે આવી ઘટનાઓ બને છે. તે કંઈ નવું નથી. ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે.

એક્વેસેસન પોલીસ મૃતકોની ઓળખ માટે ઇમિગ્રેશન કેનેડા સાથે સહયોગ કરી રહ્યું છે. તેઓ નદી પરના સર્વેલન્સમાં પણ વધારો કરી રહ્યાં છે. કેનેડિયન કોસ્ટ ગાર્ડની વિનંતીને પગલે કરાયેલા હવાઇ સર્વેક્ષણ દરમિયાન ગુરુવારે સાંજે 5 વાગ્યે કાદવમાંથી પ્રથમ મૃતદેહ મળ્યો હતો. શુક્રવારે સર્ચ કાર્યવાહી ચાલુ રખાઈ હતી અને લાઇટ એરબોટ અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. છેલ્લા બે મૃતદેહો પાણીમાંથી મળ્યા હતા. તેમાં એક નવજાત બાળક અને એક મહિલા હતી.

ગુરુવારે બપોરે ગુમ થયેલા વ્યક્તિની શોધ દરમિયાન છ મૃતદેહો અને એક પલટી ગયેલી બોટ મળી આવ્યા બાદ પોલીસને શુક્રવારે નદીમાંથી વધુ બે મૃતદેહો મળ્યા હતા. એક્વેસેસન પોલીસના જણાવ્યા મુજબ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મોહૌક પ્રદેશ દ્વારા ગેરકાયદેસર રીતે કેનેડા અથવા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરવાના 48 બનાવો બન્યા છે અને તેમાંથી મોટાભાગના ભારતીય અથવા રોમાનિયન મૂળના છે.જાન્યુઆરી 2022માં કેનેડાના-અમેરિકા સીમા નજીક મેનિટોબામાં ગુજરાતી પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મોત થયા હતા. એપ્રિલ 2022 સેન્ટ રેગિસ નદીમાં ડૂબતી બોટમાંથી છ ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY