કેનેડિયન સત્તાવાળાઓ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં શુક્રવારે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કર્યા પછી બંને દેશોના સંબંધો ફરી વણસવાની શક્યતા ઊભી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમની તપાસ પૂર્ણ થઈ નથી અને હત્યામાં ભૂમિકા ભજવનાર અન્યની પણ ધરપકડ કરાશે.
પોલીસે 22 વર્ષના કરણ બ્રાર, 22 વર્ષના કમલપ્રીત સિંહ, 28 વર્ષના કરણપ્રીત સિંહની ધરપકડ કરીને તેમની સામે ફર્સ્ટ-ડિગ્રી હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપ મૂક્યાં હતાં. આ ત્રણેય ભારતીયો એડમોન્ટનમાં રહેતા હતાં. પોલીસે ત્રણેય આરોપીના ફોટાગ્રાફ જારી કર્યા હતાં.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)એ શુક્રવારે જણાવ્યું હતું કે કેનેડિયન નાગરિક નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ છે કે નહીં તેની તપાસ કરી રહી છે. 18 જૂન, 2023ના રોજ, બ્રિટિશ કોલમ્બિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર, 45 વર્ષીય નિજ્જરની હત્યા થઈ હતી. આ ત્રણેય શકમંદો ભારત સરકારની કથિત હિટ સ્ક્વોડના સભ્યો હોવાનું માનવામાં આવે છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં નિજ્જરની હત્યામાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ ભારત સરકારના એજન્ટો સંડોવાયેલા હોવાના વિસ્ફોટક આક્ષેપ કર્યા હતાં અને તેનાથી બંને દેશોના સંબંધો વણસ્યા હતા.
કેનેડાની પોલીસે જણાવ્યું હતું કે “તપાસ અહીં સમાપ્ત થતી નથી. અમે જાણીએ છીએ કે આ હત્યાડમાં ભૂમિકા ભજવનાર અન્ય લોકો પણ છે અને અમે તેમાંથી દરેકને ઓળખવા અને તેમની ધરપકડ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ત્રણેય ભારતીય નાગરિકોની ધરપકડ પછી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા એક મજબૂત અને સ્વતંત્ર ન્યાય પ્રણાલી અને તેના નાગરિકોની સુરક્ષા માટે મૂળભૂત પ્રતિબદ્ધતા સાથે કાયદાનું શાસન ધરાવતો દેશ છે. બીજી તરફ ભારતના વિદેશ પ્રધાન જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે કેનેડા આ અંગે ભારતને માહિતી આપે તેની ભારત રાહ જોશે. જોકે તેમણે જણાવ્યું હતું કે નિજ્જરની હત્યા અંગે કેનેડામાં જે થઈ રહ્યું છે તે મોટાભાગે તેમના આંતરિક રાજકારણને લીધે છે અને તેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. ભારતને દોષ આપવો તે કેનેડાની રાજકીય મજબૂરી છે. કેનેડામાં ચૂંટણી આવી રહી હોવાથી તેઓ વોટબેંકની રાજનીતિમાં વ્યસ્ત છે.