કેનેડાના બ્રેમ્પટનમાં ગુરુવારે વહેલી સવારે થયેલા એક કાર એક્સિડન્ટમાં ત્રણ ભારતીય યુવાનોના મોત થયા હતા. તેમાંથી બે યુવાનો સગા ભાઈ છે. મૃતકોની ઓળખ રિતિક છાબરા (23) તેના નાના ભાઈ રોહન છાબરા (22) અને તેમના મિત્ર ગૌરવ ફાસગે (24) તરીકે થઈ હતી.
છાબરા ભાઇએ મૂળ ચંદીગઢના અને ફાસગે પૂણેનો છે. તેઓ રાત્રિભોજન પછી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના નિવાસસ્થાન નજીક અકસ્માત સર્જાયો હતો. મૃતકોના મિત્રોએ ફાસગેના મૃતદેહને ભારત પરત લાવવા અને છાબરા ભાઈઓના અંતિમ સંસ્કારના ખર્ચને માટે ઑનલાઇન ભંડોળ ઊભુ કરવાની શરૂઆત કરી હતી.
પોલીસે જણાવ્યું કે એક્સિડન્ટ વખતે કાર અત્યંત હાઈ સ્પીડમાં હતી. જોકે અકસ્માત કઈ રીતે થયો તે જાણી શકાયું નથી. રિપોર્ટ્સ પ્રમાણે ગુરુવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. એવું માનવામાં આવે છે કે બે કાર વચ્ચે રેસ લગાવવામાં આવી હતી જેમાં એક કાર પોતાનો કન્ટ્રોલ ગુમાવી બેસી હતી અને તેની ટક્કર થઈ ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર રિતિક છાબરાનો તો તે દિવસે બર્થડે હતો. રિતિક માટે જન્મદિવસ જ જીવલેણ સાબિત થયો હતો.
ગૌરવના ભાઈએ લખ્યું છે કે તેના મૃતદેહને ભારત પરત લાવવા માટે લગભગ 12,000 ડોલરનો ખર્ચ થશે. જ્યારે રિતિક અને રોહનની કેનેડામાં અંતિમ વિધિ કરવા માટે લગભ 16,000 ડોલરની જરૂર પડશે. બંને માટે આઠ-આઠ હજાર ડોલરની જરૂર પડશે. અમે કુલ મળીને 65,000 ડોલર એકઠા કરવા માટે ટાર્ગેટ રાખ્યો છે.