ત્રણ ભારતીય કંપનીઓને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ કોરોના વાયરસના દર્દીઓ સારવાર માટે તૈયાર કરાયેલા વેન્ટિલેટર બનાવવાનું લાયસન્સ મેળવ્યું છે. આ ત્રણ ભારતીય કંપનીઓમાં આલ્ફા ડિઝાઈન ટેક્નોલોજીસ પ્રા. લિ., ભારત ફોર્જ લિ. અને મેધા સર્વો ડ્રાઈવ્સ પ્રા. લિ.નો સમાવેશ થાય છે. ભારતીય કંપનીઓ ઉપરાંત અન્ય 18 કંપનીઓમાં આઠ અમેરિકન, ત્રણ બ્રાઝિલિયન કંપનીઓને પણ વેન્ટિલેટર્સ ઉત્પાદન માટે પસંદ કરવામાં આવી છે.
નાસા સ્પેસ સંશોધન, એરોનોટિક્સ અને સંલગ્ન અભિયાન હાથ ધરતી એક સ્વતંત્ર એજન્સી છે. નાસાએ ખાસ કોરોના વાયરસના દર્દીઓ માટે દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત તેની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેએલપી)માં આ વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે. જેપીએલ એન્જિનિયર્સે આ ખાસ વેન્ટિલેટરને ‘વાઈટલ’ નામ આપ્યું છે. આ વેન્ટિલેટરને એક મહિનાના ટૂંકા ગાળામાં ફૂડ એડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી ઈમર્જન્સી યુઝ ઓથોરઆઝેશન પ્રાપ્ત થયું છે તેમ નાસાએ જણાવ્યું હતું. આ વેન્ટિલેટર અનેક રીતે ખાસ છે.
નાસાએ જણાવ્યા મુજબ પારંપરિક વેન્ટિલેટરમાં જરૂર પડતા પાર્ટ્સની તુલનાએ આ વેન્ટિલેટરમાં તેના 15 ટકા પાર્ટ્સનો જ ઉપયોગ થાય છે. અત્યંત ક્રિટિકલ દર્દીઓની સારવાર માટે આ હાઈ-પ્રેશર વેન્ટિલેટર એક કિફાયતી વિકલ્પ પુરવાર થઈ શકે છે. આ ઉપરાંત ફ્લેક્સિબલ ડિઝાઈનને પગલે તે હંગામી હોસ્પિટલ્સમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે તમ નાસાએ જણાવ્યું હતું.આ અંગે જેપીએલની વ્યૂહાત્મક ભાગીદારી ઓફિસના મેનેજર લિઓન અલ્કલાઈએ જણાવ્યું કે, વાઈટલની ટીમ તેમની ટેક્નોલોજીને લાયસન્સ પ્રાપ્ત થવાથી ઘણી ખુશ છે.
અમને આશા છે કે કોરોનાના કપરા સમયમાં આ ટેક્નોલોજી મહામારીના સમાધાનના વધારાના સ્રોત તરીકે વિશ્વના અન્ય દેશો સુધી પહોંચે. આ વેન્ટિલેટરનું ઉત્પાદન તબીબો તેમજ મેડિકલ સંશાધનોના ઉત્પાદકોના મંતવ્ય મુજબ બનાવવામાં આવ્યું છે. આ વેન્ટિલેટરના પ્રોટોટાઈપનું 23 એપ્રિલના માઉન્સ સિનાઈ સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ એનેસ્થિસિયોલોજી, પેરિઓપરેટિવ એન્ડ પેઈન મેડિસિન ખાતે સફળ પરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
સિમ્યુલેશન ટેસ્ટિંગમાં પણ આ વેન્સિટલેટર આઈસીયુમાં ક્રિટિકલ દર્દીઓ માટે ખૂબ જ મદદરૂપ પુરવાર થયું હોવાનું લોસ એન્જલસ સ્થિત યુએસલીએના પલ્મનોરી વિભાગ અને ક્રિટિકલ કેર મેડિસિનના ડો. તિશા વાંગે જણાવ્યું હતું. આ વેન્ટિલેટરની ગોઠવણ વ્યવસ્થા પણ ઝડપી છે તેમજ તેનો વપરાશ મૈત્રીપૂર્વક રીતે થઈ શકે છે જેને પગલે તેનું સંચાલન સરળ બની જાય છે.