અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા ખાતે મંગળવાર રાત્રે એક વાહન અકસ્માતમાં 18 વર્ષના ત્રણ ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીના મોત થયા હતાં. આ અકસ્માતમાં 18 વર્ષના અન્ય બે વિદ્યાર્થી ઘાયલ થયાં હતાં. આ દુર્ઘટના મેક્સવેલ રોડ અને હેમ્બ્રી રોડ વચ્ચેના વેસ્ટસાઈડ પાર્કવે નજીકના રસ્તાના વળાંક પર થયો હતો અને કાર ઓવરસ્પીડિંગને કારણે ઝાડ સાથે અથડાઈ હતી.
અલ્ફારેટા પોલીસે જણાવ્યું હતું કે શ્રીયા અવસરલા અને અન્વી શર્માનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બંને જ્યોર્જિયા યુનિવર્સિટીમાં ફ્રેશર હતા. આર્યન જોશીનું બુધવારે હોસ્પિટલમાં નિધન થયું હતું. તે આલ્ફારેટા હાઈસ્કૂલમાં સિનિયર હતો.
અકસ્માતનો ભોગ બનેલા તમામ સ્ટૂડન્ટ્સ માત્ર 18 વર્ષના હતા અને મૃતકોમાં એક યુવક તેમજ બે યુવતીનો સમાવેશ થાય છે.આ અકસ્માતમાં ઘવાયેલા અન્ય બે સ્ટૂડન્ટ્સની ઓળખ પણ જાહેર કરાઈ હતી, જેમના નામ રિતવાક સોમપલ્લી અને મોહમંદ લિયાકત હોવાનું જાણવા મળ્યું હતું. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે સોમપલ્લી કારનો ડ્રાઈવર હતો અને તે જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. લિયાકથ આલ્ફારેટા હાઈસ્કૂલમાં સિનિયર છે.
પોલીસનું માનવું છે કે આ અકસ્માત ઓવર સ્પિડિંગને કારણે થયો હોઈ શકે છે, જે કારમાં આ સ્ટૂડન્ટ્સ સવાર હતા તેના ડ્રાઈવરે ફુલ સ્પીડ પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે પલ્ટી ખાઈને રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી.
આલ્ફારેટ્ટા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યા અનુસાર આ અકસ્માત હેમ્બ્રી રોડ અને મેક્સવેલ રોડની વચ્ચે આવેલા વેસ્ટસાઈડ પાર્કવેમાં મંગળવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ થયો હતો.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના સાઉથ કેરોલાઈનામાં ઓવર સ્પિડિંગને કારણે થયેલા આવા જ એક અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાના મોત થયા હતા, આ ત્રણેય મહિલાઓ જ્યોર્જિયાની રહેવાસી હતી જેમની વોલ્વો XC 90 કાર સાઉથ કેરોલાઈનાના ઈન્ટર સ્ટેટ હાઈવે નંબર 85 પર અકસ્માતનો ભોગ બની હતી. આ કારને અકસ્માત થયો ત્યારે તે એટલી સ્પીડમાં હતી કે તે મેઈન રોડ પરથી ઉછળીને 20-25 ફુટ ઉંચા ઝાડમાં ફસાઈ ગઈ હતી.