પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચારની વધુ એક ઘટના બહાર આવી છે. સિંધ પ્રાંતમાં હિન્દુ ધર્મની એક મહિલા અને બે સગીર યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમાંથી બે મહિલાનું બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરણ કરાયું હતું અને તેમના મુસ્લિમો સાથે લગ્ન કરાયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે 14 વર્ષની મીના મેઘવારને નસરપુર વિસ્તારમાંથી બંધક બનાવવામાં આવી હતી, જ્યારે બીજી સગીર હિન્દુ યુવતીનું મિરપુરખાસ શહેરના બજારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્રણ બાળકોની માતા એવી હિન્દુ મહિલા મિરપુરખાસ શહેરમાંથી ગુમ થઈ હતી. મહિલાને ઇસ્લામ ધર્મ અપનાવવાની ફરજ પડાઈ હતી અને તેના મુસ્લિમ સાથે લગ્ન કરાયા હતા. આ વિસ્તારમાં પરણિત હિન્દુ મહિલા સાથેની આવી ત્રીજી ઘટના છે.
મહિલાના પતિ રવી કુર્મીની ફરિયાદને આધારે પોલીસે શરૂઆતમાં એફઆઇઆર નોંધવાનો ઇનકાર કર્યો હતો. રવિ કુર્મીએ જણાવ્યું હતું કે તેમની પત્નીનું પડોશી અહેમદ ચાંદિયોએ અપહરણ કર્યું હતું અને ઇસ્લામ ધર્મ અપનાવવાની ફરજ પાડી હતી. અહેમદ તેમની પત્નીને સતત હેરાન કરતો હતો. મિરપુરખાસની સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આ તમામ ત્રણ કેસની તપાસ ચાલુ છે. પોલીસે એવો દાવો પણ કર્યો હતો કે પરિણિત મહિલા રાખીએ જાતે ઇસ્લામ ધર્મ અપનાવીને મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે.
પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં યુવાન હિન્દુ યુવતીઓનું અપહરણ અને બળજબરીપૂર્વકનું ધર્મપરિવર્તન મોટી સમસ્યા બની છે. સિંઘ પ્રાંતના થાર, ઉમરકોટ, મિરપુરખાસ, ઘોટકી અને ખૈરપુર વિસ્તારમાં ઘણા હિન્દુઓ રહે છે અને મોટાભાગના મજૂરો છે.