પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ અને બદ્રીનાથના મંદિરો સહિત ઉત્તરાખંડના અનેક રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપતો એક પત્ર મળ્યા બાદ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
પત્રમાં 25 ઓક્ટોબરે હરિદ્વાર, દેહરાદૂન, રૂકી, નજીબાબાદ, કાશીપુર સહિત ઉત્તરાખંડના રેલ્વે સ્ટેશનો પર હુમલાની ધમકી અપાઇ છે. આ ઉપરાંત તેમાં 27 ઓક્ટોબરે હર કી પૌડી, ભારત માતા મંદિર, ચંડી દેવી મંદિર, મનસા દેવી મંદિર, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.
સામાન્ય ટપાલથી મોકલવામાં આવેલો પત્ર 10 ઓક્ટોબરે હરિદ્વાર રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને મળ્યો હતો.એમ રેલવે પોલીસના એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અરુણા ભારતીએ રવિવારે જણાવ્યું હતું.
આ પત્ર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કહેવાતા એરિયા કમાન્ડર જમીર અહમદ લખ્યો હોવાનો દાવો કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં જેહાદીઓની હત્યાનો બદલો લેવાની ધમકી હતી. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે 25 અને 27 ઓક્ટોબરે હુમલો કરાશે.
ઉત્તરાખંડમાં સત્તાવાળાઓને ભૂતકાળમાં પણ આવા ધમકીના પત્રો મળ્યા છે, પરંતુ પ્રથમ વખત આ કનેક્શનમાં કેસ દાખલ કરાયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ધમકી વાસ્તવિક છે કે માત્ર એક છેતરપિંડી છે તે તપાસ ચાલુ છે.આવો એક પત્ર આ વર્ષે કાવડ યાત્રા દરમિયાન રૂરકીમાં સત્તાવાળાઓને મળ્યો હતો.