ભારતના ચૂંટણી પંચ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને જનપ્રતિનિધિત્વ કાયદા, ૧૯૫૧ની કલમ ૯(એ) હેઠળ દોષિત માનીને તેમને ધારાસભ્યના હોદા પરથી અયોગ્ય ઠેરવવાનો અભિપ્રાય રાજ્યના રાજ્યપાલ રમેશ બૈસ પર સોંપ્યો હોવાથી હેમંત સારેનની ખુરશી જોખમ આવી ગઈ છે.
ચૂંટણી પંચના ખાસ દૂતે ગુરુવારની સવારે એક સીલ કવરમાં તેનો અભિપ્રાય રાજભવનને મોકલ્યો હતો. રાજ્યપાલ ખાસ કારણોસર દિલ્હી હતા અને બપોરે બે કલાકે રાંચી પહોંચ્યા હતા. સુત્રો મુજબ રાજ્યપાલ પંચના મંતવ્યના બંધારણીય પાસાનો અભ્યાસ કરાવી રહ્યા છે. એવી સંભાવના છે કે ચૂંટણી પંચના મંતવ્ય પર ગવર્નર શુક્રવારે તેમનો નિર્ણય આપી શકે છે.
ભાજપના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રઘુવર દાસે અગાઉ ફેબ્રુઆરીના હેમંત સોરેન પર આક્ષેપ કર્યો હતો કે તેઓ મુખ્યપ્રધાનપદે ચાલુ હતા ત્યારે અનગડા પથ્થર માઇનિંગનું લીઝ પોતાના નામે લીધું હતું. એ પછીના દિવસે ભાજપ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજભવનમાં રાજ્યપાલને મળ્યું હતું અને હેમંત સોરેનને ધારાસભ્યના હોદા પરથી અયોગ્ય ઠેરવવાની તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની માગણી કરી હતી. આ પછી રાજ્યપાલે નિયમાનુસાર ભારત ચૂંટણી પંચ પાસેથી આ મામલે અભિપ્રાય માગ્યો હતો.