ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં તાજેતર થયેલી મોટા પાયે છટણીને કારણે અમેરિકામાં હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે. હવે તેઓ અમેરિકામાં નોકરી ગયા પછી તેમના વર્ક વિઝા હેઠળ નિર્ધારિત સમયગાળામાં નવી રોજગારી શોધવામાં સંઘર્ષ કરી રહ્યાં છે.
વોશિંગ્ટન પોસ્ટમાં જણાવ્યા અનુસાર ગયા વર્ષે નવેમ્બરથી લગભગ 200,000 આઈટી પ્રોફેશનલ્સની છટણી કરવામાં આવી છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબૂક અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓમાં વિક્રમજનક છટણી કરવામાં આવી છે.
આઇટી ઉદ્યોગના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આમાંથી 30 થી 40 ટકા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ છે. તેમાંથી મોટી સંખ્યામાં પ્રોફેશનલ્સ H-1B અને L1 વિઝા પર છે. H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. નોન ઇમિગ્રન્ટ વિઝા હેઠળ યુએસ કંપનીઓ સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખી શકે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે તેના પર નિર્ભર છે.
L-1A અને L-1B વિઝા અસ્થાયી ઇન્ટ્રાકંપની ટ્રાન્સફરી માટે ઉપલબ્ધ છે જેઓ મેનેજમેન્ટ હોદ્દા પર કામ કરે છે અથવા વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે. નોંધપાત્ર રીતે મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ, જેઓ એચ-1બી એલ1 જેવા નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા પર છે. આવા આઇટી પ્રોફેશનલ્સ નોકરી ગુમાવ્યા પછી અમેરિકામાં રહેવા માટે વિવિધ વિકલ્પોની ચકાસણી કરી રહ્યાં છે. આવા લોકોને તેમના ફોરેન વર્ક વિઝા હેઠળ નિર્ધારિત સમયગાળામાં નવી નોકરી શોધવી પડશે.
એમેઝોનની કર્મચારી ગીતા (નામ બદલ્યું છે) ત્રણ મહિના પહેલા જ યુએસ આવી હતી. આ અઠવાડિયે તેને કહેવામાં આવ્યું કે 20 માર્ચ તેનો છેલ્લો વર્કિંગ ડે છે. H-1B વિઝા પરના લોકો માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે કારણ કે તેમને 60 દિવસમાં નવી નોકરી શોધવાની છે નહીં તો તેમની પાસે ભારત પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં.
હાલના સંજોગોમાં તમામ આઇટી કંપનીઓ છટણી કરી રહી છે, તેથી ટૂંકા સમયગાળામાં નવી નોકરી શોધવાનું લગભગ અશક્ય છે. H-1B વિઝા પરના અન્ય IT પ્રોફેશનલ સીતા (નામ બદલ્યું છે)ને 18 જાન્યુઆરીના રોજ માઈક્રોસોફ્ટમાંથી છૂટા કરાયા હતા. તેઓ સિંગલ મધર છે. તેમનો પુત્ર હાઇસ્કૂલ જુનિયર વર્ષમાં છે અને કોલેજમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે “આ પરિસ્થિતિ અમારા માટે ખરેખર મુશ્કેલ છે.”
સિલિકોન વેલી સ્થિત ઉદ્યોગસાહસિક અને કમ્યુનિટી લીડર અજય જૈન ભુટોરિયાએ જણાવ્યું હતું કે “તે કમનસીબ છે કે હજારો ટેક કર્મચારીઓ અને ખાસ કરીને H-1B વિઝા પરના કર્મચારીઓ છટણીનો સામનો કરી રહ્યા છે. આવા પ્રોફેશનલ્સ સામે વધારાના પડકારો છે, કારણ કે તેમણે 60 દિવસમાં નોકરી શોધવી પડશે અથવા અમેરિકા છોડવું પડશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આનાથી પરિવારો માટે વિનાશક પરિણામો આવી શકે છે, જેમાં મિલકતોના વેચાણ અને બાળકોના શિક્ષણમાં અવરોધોનો સમાવેશ થાય છે. ટેક કંપનીઓ માટે H-1B વર્કર્સ માટે વિશેષ વિચારણા કરવી જોઇએ અને તેમની નોકરી સમાપ્તિની તારીખને થોડા મહિના લંબાવવી ફાયદાકારક રહેશે, કારણ કે જોબ માર્કેટ અને ભરતી પ્રક્રિયા પડકારરૂપ હોઈ બની શકે છે.”
ગ્લોબલ ઈન્ડિયન ટેક્નોલોજી પ્રોફેશનલ્સ એસોસિએશન (GITPRO) અને ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS)એ રવિવારે આ આઈટી પ્રોફેશનલ્સને જોબ રેફરર્સ અને ઈન્ફોર્મર્સ સાથે જોડીને આ આઈટી પ્રોફેશનલ્સને મદદ કરવા માટે સમુદાય-વ્યાપી પ્રયાસ શરૂ કર્યા છે. FIIDS યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ના નીતિ નિર્માતાઓ અને નિર્ણય લેનારાઓને પ્રભાવિત કરવાના પ્રયાસો કરશે.
ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટા પાયે છટણીને કારણે જાન્યુઆરી 2023 ટેક પ્રોફેશનલ્સ માટે ભયાનક રહ્યું છે. ઘણા પ્રતિભાશાળી લોકોએ તેમની નોકરી ગુમાવી. ટેક ઇન્ડસ્ટ્રીમાં ભારતીય ઇમિગ્રન્ટ્સનું વર્ચસ્વ હોવાથી, તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે.
છૂટા કરાયેલા H-1B હોલ્ડર્સે 60 દિવસમાં H-1B સ્પોન્સરિંગ જોબ શોધવી પડે છે અથવા આઉટ ઓફ સ્ટેટસ થયા પછી 10 દિવસની અંદર અમેરિકા છોડી દેવું પડે છે.
FIIDSના ખાંડે રાવ કાંડે જણાવ્યું હતું કે,ટેકની ચુકવણી કરતાં અને અમેરિકાના ઇકોનોમીમાં યોગદાન આપતા લિગર ઇમિગ્રન્ટ્સને તેમના પરિવારના જીવન અને બાળકોના શિક્ષણ વગેરેમાં મોટી અસર થશે. ભુટોરિયાએ જણાવ્યું હતું કે H-1B વર્કર્સને વધુ સારી રીતે ટેકો આપવા માટે ઇમિગ્રેશન પ્રક્રિયાને ફરીથી ડિઝાઇન કરવામાં આવે તે ફાયદાકારક રહેશે.
નોકરીમાંથી કાઢી મૂકાયેલા ભારતીય IT કામદારોએ વિકટ પરિસ્થિતિમાં છે. તેનો ઉકેલ લાવવાના માર્ગો શોધવા માટે વિવિધ WhatsApp જૂથો બનાવ્યા છે. એક WhatsApp જૂથમાં, 800 થી વધુ બેરોજગાર ભારતીય IT કામદારો છે. તેઓ દેશમાં વેકન્સી અંગેની માહિતી એકબીજાને આપી રહ્યાં છે.
બીજા એક વોટ્સએપ ગ્રૂપમાં તેઓ વિઝાના વિવિધ વિકલ્પોની ચકાસણી કરી રહ્યાં છે. કેટલાંક ઇમિગ્રેશન એટર્ની સ્વૈચ્છિક રીતે તેમની સર્વિસ ઓફર કરી રહ્યાં છે.
ગૂગલના તાજેતરના નિર્ણયે ભારતીય આઇટી પ્રોફેશનલ્સની મુશ્કેલીઓમાં કર્યો છે. ગૂગલે તેના ગ્રીન કાર્ડ પ્રોસેસિંગને અટકાવી દીધું છે. તેનું કારણ એ છે કે ખુદ ગૂગલ અનેક કર્મચારીઓની છટણી કરી રહ્યું છે, તેવા સમયે તે USCIS સમક્ષ એવું દલીલ ન કરી શકે કે તેને કાયમી નિવાસી તરીકે વિદેશી આઇટી પ્રોફેશનલ્સની જરૂર છે.