રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીએ 2010માં નવી વ્યાવસાયિક નેતાગીરી બનાવવા માટે તેના રેગ્યુલેટરી કાર્યોમાં ઘટાડો કર્યા બાદ ઇંગ્લિશ ફાર્મસી બોર્ડ (ઇપીબી)ના અધ્યક્ષ તરીકે માત્ર 28 વર્ષના થૉરૂન ગોવિંદ ચૂંટાઇ આવ્યા છે. આ પદ ધારણ કરનાર થૉરૂન સૌથી યુવાન વયના છે. 2012માં આ પદ માટે ચૂંટાયેલા શિલ્પા ગોહિલ પછી, ગોવિંદ ઇપીબીના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલી બીજી અશ્વેત મહિલા બન્યા છે.
22 જૂનના રોજ વરણીથી આનંદિત ગોવિંદે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’આ સભ્યપદ સંસ્થા અને વ્યાપક વ્યવસાયને “સેવા આપવાનું સન્માન” છે. હું એક ઇન્ક્લુસિવ, સંવાદમાં માનતા અને વ્યૂહાત્મક બોર્ડની અધ્યક્ષ બનવા જઈ રહી છું, જે હિસ્સેદારો સાથે સંકળાયેલું છે અને ફાર્મસીને આપણે જે કંઈ પણ કરીએ છીએ તેના હૃદયમાં મૂકે છે. હું સભ્યો અને બિન-સભ્યો સાથે વધુ સારી રીતે જોડાવા ઇચ્છીશ અને ખાતરી કરીશ કે તેમના મંતવ્યો સાંભળવામાં આવે અને યુવાન ફાર્માસિસ્ટ્સને નેતૃત્વની ભૂમિકાઓ અપનાવવા હાકલ કરૂ છું. મને લાગે છે કે આપણા વ્યવસાયના યુવાન સભ્યો માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે ઉંમર નેતૃત્વમાં અવરોધ નથી. આપણે બધા પોતાની વ્યક્તિગત રીતે નેતૃત્વ બતાવી શકીએ છીએ. હું દ્રઢપણે માનું છું કે આ આપણે બધા વ્યવસાયના એમ્બેસડર છીએ.’’
2018 માં ‘ફાર્મસી બિઝનેસ પ્રી-રજીસ્ટર ફાર્માસિસ્ટ ઑફ ધ યર’ એવોર્ડ જીતનાર ગોવિંદે પોતાની પ્રાથમિકતા અંગે જણાવ્યું હતું કે ‘’હું મારા સંદેશાવ્યવહાર અને મીડિયાના અનુભવનો ઉપયોગ સભ્યો અને બિન-સભ્યો સાથે વધુ સારી રીતે જોડાવા અને ખાતરી કરવા માટે કરીશે જેથી તેમના મંતવ્યો પણ સાંભળવામાં આવે.”
માર્ટિન એસ્ટબરી ઇંગ્લિશ ફાર્મસી બોર્ડના વાઇસ-ચેરમેન તરીકે ચૂંટાયા છે. ક્લેર એન્ડરસન, સિબ્બી બકલ, ટેસ અપુટુ અને એલિસડેર જોન્સ રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીની એસેમ્બલીમાં ઇપીબીના પ્રતિનિધિઓ હશે.
વેલ્સ ફાર્મસી બોર્ડ માટે શેરિલ વે બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે જ્યારે રૂથ મિશેલ વાઇસ ચેર અને આરપીએસ એસેમ્બલીના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા છે.
સ્કોટિશ ફાર્મસી બોર્ડના અધ્યક્ષ તરીકે એન્ડ્ર્યુ કેરુથર્સની પસંદગી કરવામાં આવી છે અને કેથલીન કારાઓની વરણી વાઇસ ચેર અને આરપીએસ એસેમ્બલીના પ્રતિનિધિ તરીકે કરવામાં આવી છે.