જી-20 સમીટમાં ભાગ લેવા માટે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનું શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર આગમન થયું હતું. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ તેમનું સ્વાગત કર્યું હતું.

જી-20 સમીટ માટે ત્રણ દિવસની યાત્રા માટે નીકળતા પહેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે શુક્રવારે હળવી મજાકમાં જણાવ્યું હતું કે G20 લીડર્સ સમિટ માટે તેમની નવી દિલ્હીની મુલાકાત “દેખીતી રીતે ખાસ” છે, કારણ કે તેમને “ભારતના જમાઈ” તરીકે ઓળખાવા આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે સુનક ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન છે અને તેમને ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિમાં સાથે લગ્ન કર્યા છે. વડાપ્રધાન બન્યાં પછી તેમની આ પ્રથમ ભારત યાત્રા છે.

વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનું શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર આગમન થયું હતું. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ તેમનું સ્વાગત કર્યું હતું.

તેમની સાથે મુસાફરી કરી રહેલા પત્રકારોને સુનકે જણાવ્યું હતું કે “તે દેખીતી રીતે ખાસ છે. મેં ક્યાંક જોયું હતું કે મને ભારતના જમાઈ તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ સંબોધન પ્રેમથી કરવામાં આવ્યું હતું તેવી મને આશા છે.
43 વર્ષીય બ્રિટિશ ભારતીય નેતાએ કહ્યું કે તેઓ ભારતમાં પાછા આવવા માટે ઉત્સાહિત છે, કારણ કે ભારત તેમના માટે ખૂબ નજીક અને પ્રિય છે. સુનકની સાથે તેમના પત્ની અક્ષતા પણ ભારત આવી રહ્યાં છે. જી-20 સમીટ દરમિયાન સુનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે.

સુનકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું સ્પષ્ટ ફોકસ સાથે G20 સમિટમાં જઈ રહ્યો છું. તેમાં વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવાની, આંતરરાષ્ટ્રીય સંબંધોનું નિર્માણ કરવાની તથા સૌથી નબળા લોકોને ટેકો આપવાની બાબતોનો સમાવેશ થાય છે. યુકે માટે રશિયા-યુક્રેન સંઘર્ષ એક મુખ્ય મુદ્દો રહેવાની ધારણા છે, કારણ કે ડાઉનિંગ સ્ટ્રીટે ભારતની ભૂમિકા અને પ્રભાવ “મહત્વપૂર્ણ” હોવાનું જણાવ્યું હતું.

રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો છેડશે

સુનકે પત્રકારોને જણાવ્યું હતું કે “ફરી એક વાર વ્લાદિમીર પુતિન G20માં પોતાનો ચહેરો બતાવી શક્યા નથી. તેઓ તેમના પોતાના રાજદ્વારી દેશનિકાલના ખુદ શિલ્પી છે. તેઓ પોતાને તેમના પ્રેસિડેન્શિયલ પેલેસમાં અલગ કરી રહ્યાં છે તથા ટીકા અને વાસ્તવિકતાની અવગણના કરી રહ્યાં છે. બીજી તરફ બાકીના G20 નેતાઓ દર્શાવી રહ્યાં છે કે અમે સામે આવીશું અને પુતિનના વિનાશ માટે સાથે મળીને કામ કરીશું.” ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુકે યુક્રેન માટે તેનો ટેકો બતાવવા અને વૈશ્વિક સમર્થનને આગળ વધારવા માટે “દરેક તક”નો ઉપયોગ કરશે. આ મુદ્દે વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પુતિનના ઘાતકી આક્રમણને અંત લાવવા માટે મોદી પોતાના પ્રભાવનો ઉપયોગ કરે તે માટે અમે તેમને પ્રોત્સાહિત કરીશું.

યુકે ઇન્ડિયા FTAની ચર્ચા થશે

મોદી-સુનક દ્વિપક્ષીય બેઠકમાં ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના મુદ્દેની ચર્ચા થવાની ધારણા છે. આ અગ્રીમેન્ટ માટે અત્યાર સુધી 12 રાઉન્ડની મંત્રણા થઈ છે, પરંતુ એગ્રીમેન્ટ માટે કોઇ નિર્ધારિત મહેતલ નક્કી કરાઈ નથી. અન્ય એક નિવેદનમાં ડાઉનિંગ સ્ટ્રીટે સંકેત આપ્યો છે કે આ કરારના ભાગ રૂપે યુકે ઇમિગ્રેશન નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, જોકે વેપાર વાટાઘાટોના ભાગ રૂપે ટૂંકા ગાળાના બિઝનેસ વિઝાની ચર્ચા તે તૈયાર છે.

LEAVE A REPLY