ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં બે દિવસથી ચૂંટણીસભા યોજીને ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કરી રહ્યાં છે. ગુરુવારે મોદીએ પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવડા સહિત ચાર શહેરોમાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું.
પાલનપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ગુજરાતની વિધાનસભાની આ ચૂંટણી આગામી 25 વર્ષ માટે રાજ્યનું ભાગ્ય નક્કી કરવા માટેની છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, ગુજરાત અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ દ્વારા અત્યાર સુધીમાં ઘણા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે, હવે “વિશાળ છલાંગ” લેવાનો સમય આવી ગયો છે. ”
મોદીએ કહ્યું કે, “આ ચૂંટણી કોણ ધારાસભ્ય બનશે કે કોની સરકાર આવશે તેના વિશે નથી. આ ચૂંટણી આગામી 25 વર્ષ માટે ગુજરાતનું ભાગ્ય નક્કી કરવા માટે છે.”
મોદીએ જણાવ્યું હતું કે હવે એક વિશાળ છલાંગ લેવાનો સમય આવી ગયો છે. અને ગુજરાતમાં એક મજબૂત સરકાર બનાવવા માટે મને તમારા સમર્થનની જરૂર છે. તમારે મને તમારી સમસ્યાઓ કહેવાની જરૂર નથી કારણ કે હું અહીં મોટો થયો છું અને હું તે મુદ્દાઓને સારી રીતે સમજું છું. હું અપીલ કરું છું. બનાસકાંઠાની તમામ બેઠકો પર ભાજપને વિજયી બનાવો.
182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.