ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોનાની વેક્સિન કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કા માટે મંજૂરી મળી છે. કંપની આઈસીએમઆરના સહયોગથી ‘કોવેક્સીન’ નામથી કોરોનાની સ્વદેશી રસી વિકસાવી રહી છે.
ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેકને રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી છે.
કંપનીએ પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલના ડેટા સાથે એનિમલ ચેલેન્જના ડેટા રજૂ કર્યા હતા. કંપનીએ બીજી ઓક્ટોબરે ડીસીજીઆઈને રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માગી હતી. કંપનીએ કહ્યું હતું કે, આ અભ્યાસમાં 18 વર્ષ અથવા તેનાથી વધુ વયના 28,500 લોકોનો સમાવેશ કરાશે અને આ પરિક્ષણ 10 રાજ્યોના 19 સ્થળો પર કરાશે.
પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ પણ ભારતમાં વેક્સિનના બીજા અને ત્રીજા કબક્કાના હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટે ઓક્સફોર્ડ કોવિડ-19 વેક્સિનના ઉત્પાદન માટે એસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરી છે. દરમિયાન સીરમ ઈન્સ્ટિટયુટે કોરોનાથી પીડિત દર્દીઓની સારવાર માટે જર્મનીની દિગ્ગજ ફાર્માસ્યુટીકલ કંપની મર્ક અને અમેરિકાની નોન-પ્રોફિટ હેલ્થ રિસર્ચ સંસ્થા આઈએવીઆઈ સાથે જોડાણ કર્યું છે. આ જોડાણ સીરમ ઈન્સ્ટિટયુટના રસી સંબંધિત રિસર્ચથી અલગ છે.