અમેરિકામાં એક મહિનામાં ત્રીજી બેન્કનું પતન થયું હતું. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિક બેન્ક નાણાકીય મુશ્કેલીમાં મૂકાઈ હતી અને તેનાથી સરકારે ઇમર્જન્સી દરમિયાનગીરી કરવી પડી હતી. મુશ્કેલીમાં મુકાયેલી આ બેન્કને જે પી મોર્ગન ચેઝ એન્ડ કંપનીએ હસ્તગત કરી છે. અગાઉ ખાનગી નાણા સંસ્થાઓને તેને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ ગયા હતા. સોમવારે ન્યૂ યોર્કમાં પ્રીમાર્કેટ ટ્રેડિંગ દરમિયાન સવારે 4:06 વાગ્યા સુધીમાં ફર્સ્ટ રિપબ્લિકના શેરમાં 33% કરતા વધુ કડાકો બોલાયો હતો. ચાલુ વર્ષે બેન્કના શેરમાં 97 ટકા સુધીનું ધોવાણ થયું હતું.
આઠ રાજ્યોમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકની 84 શાખાઓ સોમવારે જે પી મોર્ગનની ચેઝ બેન્કની શાખાઓ તરીકે ફરી ખુલશે. માર્ચની શરૂઆતમાં સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના પતન ફર્સ્ટ રિપબ્લિક પણ મુશ્કેલીનો સામનો કરી રહી હતી.
જેપી મોર્ગન ફર્સ્ટ રિપબ્લિકની એસેટ હસ્તગત કરશે, જેમાં લગભગ $173 બિલિયન લોન અને $30 બિલિયન સિક્યોરિટીઝ, તેમજ $92 બિલિયન ડિપોઝિટનો સમાવેશ થાય છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને આ બેન્કના વેચાણની પ્રક્રિયા હાથ ધરી હતી.
જે પી મોર્ગનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેમી ડિમોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ” સરકારે અમને અને અન્ય લોકોને દરમિયાનગીરી કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને અમે આ ખરીદી કરી હતી.
આ ટ્રાન્ઝેક્શન સાથે અમેરિકાની સૌથી મોટી બેન્ક જે પી મોર્ગન વધુ મોટી બની છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં આક્રમક વધારો કર્યો હોવાથી અન્ય પ્રાદેશિક બેન્કોની જેમ સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિક પણ મુશ્કેલીમાં મુકાઈ હતી. વ્યાજદરમાં વધારાને કારણે બેંક દ્વારા ખરીદેલા બોન્ડ અને લોનના મૂલ્યને નુકસાન થયું હતું. બીજી તરફ થાપણદારોએ પણ મોટાપાયે ઉપાડ કર્યો હતો.