કેન્દ્રીય ગૃહપ્રધાન અને મોદી સરકારમાં નંબર ટુનું સ્થાન ધરાવતા અમિત શાહે બુધવાર, 5 ઓક્ટોબરે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દે સરકાર પાકિસ્તાન સાથે કોઇ મંત્રણા કરશે નહીં. આની જગ્યાએ તેઓ કાશ્મીરના યુવાનો સાથે વિચારવિમર્શ કરશે. ગૃહપ્રધાને જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણ પારદર્શકતા સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ બાંયધરી આપી હતી.
5 ઓગસ્ટ 2019માં કલમ 370ની નાબૂદી પછી કાશ્મીર ખીણમાં પ્રથમ જનસભામાં અમિત શાહે ત્રણ પરિવારો, મુફ્તી એન્ડ કંપની અને અબ્દુલ્લા એન્ડ સન્સનો વારંવાર ઉલ્લેખ કરીને વિપક્ષો નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસના નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી. આ જનસભા બારામુલ્લા જિલ્લાના શૌકત અલી સ્ટેડિયમમાં યોજાઈ હતી અને સ્ટેડિયમ ખીચોખીચ ભરાયું હતું.
ત્રાસવાદગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરના વિકાસના અભાવ માટે ગૃહપ્રધાને અબ્દુલ્લા પરિવાર (નેશનલ કોન્ફરન્સ), મુફ્તી પરિવાર (પીડીપી) અને નહેરુ-ગાંધી (કોંગ્રેસ)ને જવાબદાર ઠેરવ્યા હતા, કારણ કે દેશની આઝાદી પછી મોટાભાગના વર્ષોમાં તેમણે જમ્મુ કાશ્મીરમાં સત્તા ભોગવી હતી.
ગૃહપ્રધાને જણાવ્યું હતું કે અહીં 70 વર્ષ શાસન કરનારા લોકો મને પાકિસ્તાન સાથે મંત્રણાની સલાહ આપે છે. મારો સ્પષ્ટ ઇરાદો છે કે હું પાકિસ્તાન સાથે મંત્રણા કરીશ નહીં, પરંતુ બારામુલ્લાના મારા ગુજ્જર, પહાડી અને બકરવાલ સમાજના ભાઇઓ સાથે વાત કરવા માગું છું. હું કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરીશ. ત્રાસવાદને કારણે કાશ્મીરે શું હાંસલ કર્યું તેનો વિચાર કરો? આજે દેશના દરેક રાજ્ય આગળ વધી રહ્યાં છે અને કાશ્મીરે તાલ મિલાવવો પડશે. આપણે ત્રાસવાદીઓ દર્શાવેલા માર્ગ પર ચાલી શકીએ નહીં. કાશ્મીરના યુવાનો દેશના વિકાસના માર્ગ પર ચાલશે.
અમિત શાહે જાહેરાત કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. હું તમને બાંયધરી આપું છું કે ચૂંટણીપંચે મતદાર યાદીની કવાયત પૂરી કરે તે પછી સંપૂર્ણ પારદર્શકતા સાથે કાશ્મીરમાં ચૂંટણીઓ યોજાશે, જેથી તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીં વહીવટ કરશે. સીમાંકન પહેલા માત્ર ત્રણ પરિવારો સત્તા પર આવતા હતા, પરંતુ ચૂંટણીપંચના સીમાંકનથી ચૂંટણીમાં તમારા પ્રતિનિધિઓ વિજયી બનશે અને પછી વહીવટ કરશે.
અમિત શાહે જણાવ્યું હતું કે ત્રાસવાદથી ક્યારેય વિશ્વમાં કોઇનું પણ ભલું થયું છે.? 1990થી અત્યાર સુધી કાશ્મીરમાં 42,000 લોકોના જીવ ગયા છે. તેના માટે કોણ જવાબદાર છે.? જમ્મુ અને કાશ્મીરમાં રાજ કરનારા ત્રણ પરિવારો તેના માટે જવાબદાર છે.ગૃહપ્રધાનને ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રાસવાદ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે.