શુષ્ક આબોહવા અને ઊંચા તાપમાન માટે જાણીતા સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મંગળવારે (16મી એપ્રિલ) અણધાર્યો અભૂતપૂર્વ વરસાદ પડ્યો હતો. તેનાથી દુબઈમાં રસ્તાઓ જળમગ્ન બની ગયા હતાં. શહેરના એરપોર્ટ, મેટ્રો સ્ટેશન અને મોલમાં પાણી ઘૂસી ગયા હતાં. શાળાઓ બંધ રાખવામાં આવી હતી. 24 કલાકમાં 160 મિ.મી. વરસાદ ખાબક્યો હતો, જે સામાન્ય રીતે બે વર્ષમાં પડે છે. ત્યારે સવાલ એ છે કે, રણ વિસ્તોરોમાં અચાનક આટલો ભારે વરસાદ થવાનું કારણ શું? ઘણા લોકો તેને ક્લાઇમેટ ચેન્જ સાથે પણ જોડે છે.
જોકે કેટલાંક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, દુબઈમાં અચાનક આટલો વરસાદ પડવાનું કારણ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ છે. ગલ્ફ સ્ટેટ નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજી અનુસાર, 15મી અને16મી એપ્રિલે દુબઈના અલ એઈન એરપોર્ટ પરથી કૃત્રિમ વરસાદ માટે વિમાન ઉડાવવામાં આવ્યું હતું. આ વિમાને છેલ્લા બે દિવસમાં સાત વખત ઉડાન ભરી હતી. જેના કારણે વાતાવરણમાં ફેરફાર થયો હતો અને દુબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ક્લાઉડ સીડિંગ એ કૃત્રિમ વરસાદ બનાવવાની પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં વિમાન અથવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને વાદળોમાં સિલ્વર આયોડાઈડ અથવા પોટેશિયમ આયોડાઈડ જેવા પદાર્થોને ઉમેરવામાં આવે છે.