માધુરી દીક્ષિતે બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આજે પણ તેનો ખૂબ જ મોટો ચાહક વર્ગ છે. 1980-90ના દસકાની ટોચની અભિનેત્રીઓમાં માધુરી મોખરાનું સ્થાન ધરાવતી હતી અને લોકો તેના ડાન્સના પણ દિવાના હતા. પરંતુ કદાચ નવાઈ લાગે તેવી એક વાત એવી પણ છે કે, આ ‘ધક ધક ગર્લ’નું દિલ એક ગુજરાતી ક્રિકેટર માટે ધડકતું હતું. એક ફોટોશૂટ દરમિયાન માધુરી દિક્ષીત અને આ ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર
ક્રિકેટરની મુલાકાત થઈ હતી અને પહેલી નજરમાં જ માધુરી આ ક્રિકેટરના પ્રેમમાં પડી ગઈ હોવાનું કહેવાય છે.
એક સમયે માધુરી દીક્ષિત અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને જામનગરના રાજવી અજય જાડેજાની લવ સ્ટોરી ચર્ચામાં હતી. એક ફોટોશૂટ દરમિયાન આ બંનેની મુલાકાત થઈ હતી અને માધુરી અને અજયના રોમેન્ટિક ફોટા પણ હેડલાઈન્સમાં રહેતા હતા. એ સમયે મીડિયામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અજય જાડેજા ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા ઇચ્છતો હતો અને માધુરી તેના માટે જાણીતા નિર્માતાઓ અને દિગ્દર્શકોને ભલામણ કરતી હતી, પરંતુ અભિનેત્રીની ભલામણ હોવા છતાં અજય જાડેજાની ફિલ્મી કારકિર્દી આગળ વધી શકી નહીં.
કહેવાય છે કે, અજય અને માધુરી ગાઢ પ્રેમમાં હતા, પરંતુ તેમનો આ પ્રેમ ક્યારેય પૂર્ણ થઈ શક્યો નહીં. કારણ કે ક્યારેક પરિવાર તો ક્યારેક પરિસ્થિતિઓ તેમની તરફેણમાં નહોતા. ક્રિકેટરનો રાજવી પરિવાર ફિલ્મોમાં કામ કરતી એક અભિનેત્રીને તેમના પરિવારમાં સ્વીકારવા તૈયાર નહોતો, જેને કારણે તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. આ દરમિયાન મેચ ફિક્સિંગ કેસમાં અજય જાડેજાનું નામ આવતાની સાથે જ બંને એકબીજાથી દૂર થઈ ગયા હતા અને તેમના સંબંધનો એકદમ કરુણ અંજામ આવ્યો હતો. મેચ ફિક્સિંગ કેસમાં ફસાયા પછી અભિનેત્રીનો પરિવાર પણ આ સંબંધની વિરુદ્ધ થઈ ગયો હતો અને અંતે બંને અલગ થઈ ગયા હતા. અજય જાડેજા સાથેના બ્રેકઅપ પછી, માધુરી દીક્ષિત તેના જીવનમાં આગળ વધી અને ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે અજય જાડેજાએ નવી દિલ્હીની અદિતી જેટલી સાથે લગ્ન કર્યા હતા.