કુસ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા (ANI Photo)

કેન્દ્રીય સ્પોર્ટસ પ્રધાન અનુરાગ ઠાકુર સાથેની મેરેથોન બેઠક પછી બુધવારે કુસ્તીબાજો તેમના આંદોલને 15 જૂન સુધી સ્થગિત કરવા માટે સંમત થયાં હતાં. સરકારે તેમને આ સમયગાળા સુધીમાં સુધીમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરવાની અને આ મહિનાના અંત સુધીમાં ફેડરેશનની ચૂંટણીઓ યોજવાની ખાતરી આપી હતી.

આ મડાગાંઠનો ઉકેલ લાવવા માટે બેઠક યોજવાનું અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું હતું. આ પછી ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરને મળ્યાં હતા. ત્રણ દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કુસ્તીબાજોને મળ્યાં હતા અને તેમની માંગણીઓ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

પાંચ કલાકથી વધુ ચાલેલી મીટિંગ પછી મલિક અને પુનિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓને ખાતરી આપવામાં આવી છે કે તેમની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પાછી ખેંચી લેવામાં આવશે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને તેમના ઘણા સમર્થકો સામે 28મેએ કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે કુસ્તીબાજોએ સંસદની નવી ઇમારત તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સાક્ષી મલિકે જણાવ્યું હતું કે અમને કહેવામાં આવ્યું હતું કે બ્રિજ ભૂષણ સિંહ સામેની પોલીસ તપાસ 15 જૂન સુધીમાં પૂરી થશે અને ત્યાં સુધીમાં વિરોધી દેખાવોને મોકૂફ રાખો. જોકે સાક્ષી મલિક અને પુનિયા બંનેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનું સંપૂર્ણ પણે આંદોલન સમાપ્ત થયું નથી અને તેઓએ સરકારની વિનંતી મુજબ માત્ર 15 જૂન સુધી તેમનો વિરોધ સ્થગિત કર્યો છે.

કુસ્તીબાજો 23 એપ્રિલથી ફેડરેશનના વડા બ્રિજ ભૂષણની ધરપકડની માગણી સાથે દેખાવો કરી રહ્યાં છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી સરકારે આ મુદ્દાનો ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ પછી કુસ્તીબાજો અને ઠાકુર વચ્ચેની મેરેથોન બેઠક યોજાઈ હતી.

બેઠક પછી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઠાકુરે કહ્યું કે મીટિંગ સારા વાતાવરણમાં અને સકારાત્મક રીતે યોજાઈ હતી અને સરકારે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની માંગણીઓ સ્વીકારી લીધી છે. આ બેઠકમાં કુસ્તીબાજોએ 15 જૂન સુધી બ્રિજ ભૂષણ સામે ચાર્જશીટ દાખલ કરવાની, 30 જૂન સુધી ફેડરેશનની ચૂંટણી યોજવાની અને મહિલાના વડપણ હેઠળ ફેડરેશનની આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવાની દરખાસ્ત કરી હતી. આ તમામ દરખાસ્તોને સર્વાનુમતે સંમતિ આપવામાં આવી હતી.

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ફેડરેશનની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી એડ હોક કમિટીમાં બે મહિલા કોચનો સમાવેશ કરાશે. ચૂંટણી પછી ફેડરેશનની કામગીરીમાં ખેલાડીઓ સાથે વિચારવિમર્શ કરાશે. કુસ્તીબાજોએ એવી પણ માંગ કરી છે કે જે ખેલાડીઓ, એકેડેમી, કોચ અથવા અખાડાઓ સામે કેસ છે તે પાછા ખેંચવા જોઈએ. સરકારે કેટલી માંગણીઓ સ્વીકારી છે તેવા સવાલના જવાબમાં ઠાકુરે કહ્યું હતું કે આ તમામ સૂચનો અંગે સર્વસંમતિથી સંમત થયા છીએ. સરકારે આ મુદ્દાઓ પર ખુલ્લા મનથી ચર્ચા કરી છે.

LEAVE A REPLY