ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિના વિશ્વના ટોચના અબજોપતિઓ માટે ભારે ઉથલપાથલ ભર્યા રહ્યા હતા. ટ્વીટર અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કની સંપત્તિમાં છ મહિનામાં સૌથી વધારે વધારો થયો હતો, જ્યારે અદાણી જૂથના વડા ગૌતમ અદાણીની નેટવર્થમાં સૌથી મોટો ઘટાડો થયો હતો. છ મહિનામાં વિશ્વના ટોચના 500 ધનાઢ્યોની સંપત્તિમાં 852 બિલિયન ડોલરનો વધારો થયો હતો.
બ્લૂમબર્ગના બિલિયનર્સ ઈન્ડેક્સના દરેક સભ્યની સંપત્તિમાં છેલ્લા છ મહિનામાં રોજના 14 મિલિયન ડોલરના દરે વધારો થયો હતો. 2020 પછી આ વર્ષના છ મહિના સૌથી વધુ લાભદાયક રહ્યા છે. મસ્ક અત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમણે 30 જૂન સુધીમાં તેમની સંપત્તિમાં 96.6 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો હતો. જ્યારે મેટા પ્લેફોર્મના સીઈઓ ઝકરબર્ગની સંપત્તિમાં 58.9 બિલિયન ડોલરનો વધારો થયો હતો.
હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે જાન્યુઆરીથી જૂન 2023 સુધીમાં અદાણીની નેટવર્થમાં 60.2 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. 27 જાન્યુઆરીએ તેમણે એક દિવસની અંદર 20.8 બિલિયન ડોલરનો ફટકો સહન કર્યો હતો. હિન્ડેનબર્ગે અબજોપતિ ઉદ્યોગપતિ કાર્લન ઈકેનને પણ ફટકો માર્યો હતો. તેમની કંપની કાર્લન ઈકેનની સંપત્તિમાં 13.4 બિલિયન ડોલર અથવા 57 ટકાનો ઘટાડો થયો હતો. ટકાવારની રીતે જોવામાં આવે તો બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સમાં કાર્લન ઈકેનને સૌથી વધુ નુકસાન થયું હતું.