કેવડિયા ખાતે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે અને તેની પાણીની સપાટી શનિવારે 136.88 મીટરે પહોંચી છે. પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન થાય તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પાણીની આવક સામે ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ડેમમાં 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ સાથે વડોદરા જિલ્લાનાં 25 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરાના ડભોઇ તાલુકાના ત્રણ, શિનોર અને કરજણ તાલુકાનાં કુલ 22 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે સંપૂર્ણ ડેમ ભરાવામાં 3.26 મીટરનું અંતર છે. બીજી તરફ, ઇન્દિરાસાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલવામાં આવ્યા છે તેમ જ પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં નર્મદા ડેમમાં આવક વધી રહી છે.