અમેરિકા ચાલુ વર્ષ ભારત માટે રેકોર્ડ 1 મિલિયનથી વધુ વિઝા ઇશ્યૂ કરવા ધારે છે. તેમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝાને પ્રાધાન્ય અપાશે. અમેરિકા ભારતના લોકો માટે ડોમેસ્ટિક વિઝા રીન્યુઅલ ફેસિલિટી ફરી ચાલુ કરવાનું પણ વિચારી રહ્યું છે.
અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન ડોનાલ્ડ લૂએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “અમે આ વર્ષે 10 લાખથી વધુ વિઝા આપવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિક્રમ સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા અને ઇમિગ્રન્ટ વિઝા સાથે તે અમારા માટે એક રેકોર્ડ છે. જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પાનખરમાં ચાલુ થાય છે તેવા વિદ્યાર્થીઓની તમામ અરજીઓ આ ઉનાળામાં પ્રોસેસ કરવા અમેરિકા પ્રતિબદ્ધ છે.
પ્રથમ વખતના વિઝા અરજદારો માટે લાંબા વેઇટિંગ પીરિયડની ચિંતા છે. ખાસ કરીને જેઓ B1 (બિઝનેસ) અને B2 (ટુરિસ્ટ) શ્રેણી હેઠળ અરજી કરે છે તેવા લોકો માટે લાંબો વેઇટિંગ પીરિડય હાલમાં રહે છે. અમેરિકામાં જતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત હવે બીજા ક્રમે છે.
તેમણે જણાવ્યું હતું કે અમે એચ-વનબી અને એલ વિઝા જેવા વર્ક વિઝાને પ્રાધાન્ય આપી રહ્યાં છીએ. આવા વિઝા માટે હાલમાં વેઇટિંગ પીરિયડ 60 દિવસથી ઓછો છે. અમે કામદારો માટેના વિઝાને પ્રધાન્ય આપવા કામ કરીશું, કારણ કે તે અમેરિકા અને ભારત બંનેના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે.
તાજેતરની છટણીમાં નોકરી ગુમાવનારા ભારતીય H-1B આઇટી પ્રોફેશનલ્સ અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે તાજેતરમાં આ મુદ્દે કેટલીક નવી માહિતી જારી કરી છે. તેમાં નોકરી ગુમાવારા લોકોએ તેમના વિઝા સ્ટેટસમાં ફેરફાર માટે શું કરવું જોઇએ તેની વિગતો છે. તેમણે કહ્યું હતું કે કેટલાંક પિટિશન આધારિત નોન ઇમિગ્રન્ટ વર્ક વિઝા કેટેગરી માટે અમે કેટલીક શરતોને આધીન ડોમેસ્ટિક વિઝા રીન્યુઅલ સુવિધા ફરી ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી અમેરિકામાં હાજર હોય તેવા લોકોએ વિઝા રીન્યૂ કરાવવા માટે વિદેશ જવું પડશે નહીં. અમે આ વર્ષના અંત ભાગમાં આ સુવિધા ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી વિઝા રીન્યૂ કરવા માટે વિદેશ જવાની અરજદારોને જરૂર પડશે નહીં.
એચ-૧બી વિઝા ધરાવતા હોય પરંતુ તેમની નોકરી ગુમાવી દીધી હોય તેવા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અંગેના એક સવાલના જવાબમાં ડોનાલ્ડ લૂએ કહ્યું હતું કે, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે તાજેતરમાં તેમનો દરજ્જો સુધારવા માગતા આ પ્રકારના કામદારોએ શું કરવું જોઈએ તેના સંદર્ભમાં કેટલીક નવી માહિતી રજૂ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમનું માનવું છે કે અમેરિકામાં ભારતીય ડાયસપોરા કોમ્યુનિટી ઘણી મજબૂત છે. છેલ્લા ૩૦ વર્ષ અથવા વધુ સમયથી ભારત અને અમેરિકાના સંબંધો આંશિક રીતે ભારતીય અમેરિકનો દ્વારા સંચાલિત છે. તેઓ દાયકાઓથી અમેરિકામાં રહે છે, પરંતુ ભારત સાથે પણ તેમણે મજબૂત સંબંધો જાળવી રાખ્યા છે. બંને દેશો વચ્ચે લગભગ ૧૦ લાખ લોકોની અવર-જવર રહે છે. વધુ મહત્વની બાબત એ છે કે ૧,૦૦,૦૦૦ અમેરિકનો ભારતમાં રહે છે. આ બાબત બંને દેશના સંબંધો વિકસી રહ્યા હોવાનું દર્શાવે છે. આ સંબંધો બંને દેશ માટે મહત્વના છે.