અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડેમોક્રેટિકની બહુમતીવાળા હાઉસ ઓફ રીપ્રેઝન્ટટેટિવ્ઝની કમિટીને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સ રીટર્ન સુપરત કરવાની મંજૂરી આપી છે. 76 વર્ષીય ટ્રમ્પે થોડા દિવસો અગાઉ 2024માં ફરીથી વ્હાઇટ હાઉસમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના ટેકસ રીર્ટન જાહેર ન થાય તે માટે કાયદાકીય યુદ્ધ લડી રહ્યા છે.
1970ના દાયકાના જુદા જુદા પ્રેસિડેન્ટ્સથી વિપરીત ટ્રમ્પે પોતાના ટેક્સ રીટર્ન જાહેર કરવાની માગ ફગાવી હતી, અને કોંગ્રેસની આ અંગેની વિનંતીને અટકાવવા તેને વિવિધ કોર્ટોમાં ઘસડી ગયા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કોઇપણ ટિપ્પણી કર્યા વગર આ કેસમાં ચૂકાદો આપ્યો હતો ત્યારે આ કાયદાકીય લડતનો અંત આવ્યો હતો. સુપ્રીમે કોર્ટે ટેક્સ રીટર્ન હાઉસ વેઝ એન્ડ મીન્સ કમિટીને સુપરત કરવા જણાવ્યું હતું. હાઉસ વેઝ એન્ડ મીન્સ કમિટી 2015થી 2020ના સમયગાળાના ટ્રમ્પ અને તેમના સંબંધિત બિઝનેસીઝ પાસેથી ટેક્સ રિટર્ન માગી રહી છે. કમિટીને રીટર્ન આપવાનો અર્થ એ નથી કે તે તેને જાહેરમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.
વર્તમાન કોંગ્રેસની મુદત પૂર્ણ થવામાં માત્ર થોડા અઠવાડિયા બાકી છે અને રીપબ્લિકન લોમેકર્સે 8 નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણીમાં પાતળી બહુમતી મેળવ્યા પછી જાન્યુઆરીમાં હાઉસમાં સ્થાન લેશે ત્યારે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. મેનહટ્ટનના પ્રોસિક્યુટર્સે ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન પર 2005 અને 2021 વચ્ચે ટોચના અધિકારીઓને ચૂકવેલ વળતરની વિગતો છુપાવવાનો આરોપ મૂક્યો છે.

LEAVE A REPLY