અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને શનિવારે અફઘાનિસ્તાનના નાટો સિવાયના મુખ્ય સાથી દેશનો દરજ્જો રદ કર્યો હતો. કાબુલમાં તાલિબાનનું શાસન આવ્યાના આશરે એક વર્ષ પછી અમેરિકાએ આ મહત્ત્વની હિલચાલ કરી છે.
અમેરિકાએ 2012માં અફઘાનિસ્તાનને નાટો સિવાયના મુખ્ય સાથી દેશ (MNNA)નો દરજ્જો આપ્યો હતો. તેનાથી બંને દેશો વચ્ચે સંરક્ષણ અને આર્થિક સંબંધો જાળવી રાખવાનો માર્ગ મોકળો થયો હતો. આ દરજ્જાથી અફઘાનિસ્તાનને કેટલીક સુવિધાઓ મળતી હતી. તેને સંરક્ષણ અને સુરક્ષાના સંદર્ભમાં પણ રાહત મળતી હતી.
અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડને પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ તરીકે મળતી સત્તા મારફત હું વિદેશી સહાય ધારો અને શસ્ત્ર અંકુશ નિકાસ ધારાના હેતુઓ માટે અમેરિકા માટેના મહત્ત્વના બિન નાટો દેશ તરીકેના અફઘાનિસ્તાનના દરજ્જાને રદ કરું છું.
અમેરિકાએ ગયા વર્ષે અફઘાનિસ્તાનમાંથી તેના લશ્કરી દળોને પાછા બોલાવી લીધા હતા. આ પછી હવે બાઇડનને તેનો દરજ્જો પણ ખતમ કર્યો છે.
અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું શાસન છે. તાલિબાનોએ મહિલાઓના હકનું રક્ષણ કરવાની આંતરરાષ્ટ્રીય સમુદાયને વારંવાર ખાતરી આપી છે, પરંતુ મહિલાની સ્વતંત્રતા અને રક્ષણને છીનવી લીધા છે.
MNNA દરજ્જાની શરૂઆત 1987માં થઈ છે. અફઘાનિસ્તાનનો દરજ્જો રદ કરવામાં આવ્યા પછી હવે અમેરિકાના મુખ્ય બિન નાટો સાથી દેશોની સંખ્યા ઘટી 18 થઈ છે. આ દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહેરિન, બ્રાઝિલ, કોલંબિયા, ઇજિપ્ત, ઇઝરાયલ, જાપાન, જોર્ડન, કુવૈત, મોરોક્કો, ન્યૂઝિલેન્ડ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, કતાર, સાઉથ કોરિયા, થાઇલેન્ડ અને ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે. આ મહિનાના પ્રારંભમાં ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ ભારતને મુખ્ય બિન નાટો સાથી દેશનો દરજ્જો આપવા માટે અમેરિકાના પ્રતિનિધિગૃહમાં એક ઠરાવ રજૂ કર્યો હતો.