ભારત ખાતેના અમેરિકાના મિશને ગુરુવાર (8 સપ્ટેમ્બર)એ જણાવ્યું હતું કે તેને 2022માં અત્યાર સુધી ભારતમાં વિક્રમજનક 82,000 સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે, આ આંકડા બીજા કોઇ પણ દેશ કરતાં સૌથી ઊંચો છે.
નવી દિલ્હી ખાતેની યુએસ એમ્બેસી તથા ચૈન્નાઇ, હૈદરાબાદ, કોલકતા અને મુંબઈ ખાતેના કોન્સ્યુલેટ્સ મેથી ઓગસ્ટ દરમિયાન સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશનને પ્રોસેસ કરવામાં અગ્રતા આપી હતી, જેથી શક્ય હોય તેટલાં ક્વોલિફાઇડ વિદ્યાર્થીઓને સમયસર તેમના પ્રોગ્રામમાં અભ્યાસની તક મળી શકે છે.
ભારત સ્થિત અમેરિકાના ડિપ્લોમેટ પેટ્રિશિયા લસીનાએ કહ્યુ છે કે, અમે આ વર્ષના ઉનાળાની સિઝનમાં જ 82000 ભારતીય વિદ્યાર્થીને અમેરિકના વિઝા આપ્યા છે.આ બાબત દર્શાવે છે કે, મોટાભાગના ભારતીય પરિવારો માટે હાયર એજ્યુકેશનની રીતે અમેરિકા પહેલી પસંદ છે.આ સંખ્યા અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે. આ યોગદાનથી બંને દેશોને ફાયદો થઈ રહ્યો છે, કારણકે ભારતીય વિદ્યાર્થીઓ પોતાના સહયોગી વિદ્યાર્થીઓ સાથે આજીવન ટકે તેવા સબંધ બનાવે છે.
તેમણે કહ્યું હતુ ંકે, અમને એ જોઈને ખુશી થાય છે કે, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિઝા મળ્યા અને તેઓ સમયસર પોતાની યુનિવર્સિટીઓમાં પહોંચી શક્યા.
કોન્સલ અફેર્સ મિનિસ્ટર કાઉન્સિલર ડોન હેફ્લિને કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મામલે ભારતીય વિદ્યાર્થીઓનુ જે યોગદાન છે તે બીજા કોઈ દેશનુ નથી.અમેરિકામાં જેટલા પણ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ આવે છે તેમાંથી 20 ટકા ભારતીય હોય છે. એક રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષના 2020-21માં ભારતથી અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1.67 લાખ હતી.