પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટેક્નોલોજી જાયન્ટ્સ ગૂગલ, એમેઝોન અને એપલનું પ્રતિનિધિત્વ કરતા યુએસ લોબી ગ્રુપે ભારતના યુરોપિયન યુનિયન જેવા સૂચિત એન્ટી ટ્રસ્ટ કાયદાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તેનાથી યુઝર કોસ્ટમાં વધારા થવાની અને રોકાણ પર નકારાત્મક અસરો થઈ શકે છે. તેથી ભારતે તેના સૂચિત કાયદા પર પુનર્વિચારણા કરવી જોઇએ. યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સનો એક ભાગ યુ.એસ.-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)એ ભારતના કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને 15 મેના રોજ લખેલા પત્રમાં આ ચિંતાઓ વ્યક્ત કરી હતી.

ભારતે ફેબ્રુઆરીમાં ડિજિટલ કોમ્પિટિશન બિલની દરખાસ્ત કરી હતી. આ બિલ યુરોપિયન યુનિયનના ડિજિટલ માર્કેટ એક્ટ 2022ને આધારે ઘડવામાં આવ્યું છે. સૂચિત કાયદામાં $30 બિલિયનથી વધુ વૈશ્વિક ટર્નઓવર અને ઓછામાં ઓછા 10 મિલિયન લોકલ યુઝર્સ ધરાવતી મોટી ડિજિટલ કંપનીઓને ટાર્ગેટ કરે છે. આ બિલનો હેતુ ખાનગી ડેટાના દુરુપયોગને રોકવાનો અને થર્ડ પાર્ટી એપ્સના ડાઉનલોડિંગ પરના નિયંત્રણોને દૂર કરવાનો છે.

USIBCએ દલીલ કરી છે આવી જોગવાઈથી કંપનીઓ માટે નવા ફિચર્સ લોન્ચ કરવાનો અને સિક્યોરિટીમાં વધારો કરવાનું મુશ્કેલ બનશે. તેનાથી ભારતમાં રોકાણમાં ઘટાડો થશે અને ડિજિટલ સર્વિસના ભાવમાં વધારો થશે. ભારતીય કાયદાનો ડ્રાફ્ટ EU કરતાં વધુ વ્યાપક છે.

કેટલીક દિગ્ગજ ડિજિટલ કંપનીઓની બજાર પરના પ્રભાવમાં વધારાને પગલે ભારતે આ બિલ રજૂ કર્યું છે.  તેમાં નિયમના ઉલ્લંઘન માટે કંપનીના વાર્ષિક વૈશ્વિક ટર્નઓવરના 10% સુધીના દંડનો સમાવેશ થાય છે. હાલમાં ભારતનું સ્પર્ધા પંચ (CCI) સ્પર્ધા વિરોધી મામલાઓના સંદર્ભમાં ગૂગલ, એમેઝોન, એપલ સહિતની ટેકનોલોજી કંપનીઓની તપાસ કરી રહ્યું છે. 2022માં CCIએ ગૂગલને $161 મિલિયનનો દંડ ફટકાર્યો હતો.

આ ટેક જાયન્ટ્સના વિરોધ છતાં, 40 ભારતીય સ્ટાર્ટઅપ્સનું જૂથ નવા કાયદાને સમર્થન આપે છે. ભારતીય કંપનીઓની દલીલ છે કે તે ઇજારાશાહી પ્રથાઓને કાબૂમાં રાખશે અને નાની કંપનીઓને પણ બિઝનેસની સમાન તક મળશે.

LEAVE A REPLY