અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગુરુવારે જાતિ અને વંશને આધારે યુનિવર્સિટીમાં એડમિશન પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનાથી આફ્રિકન અમેરિકન અને અન્ય લઘુમતી માટે શિક્ષણની તકોને પ્રોત્સાહન આપતી દાયકા જૂને નીતિઓ સામે સવાલ ઊભો થયો છે.
મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટસે બહુમતી અભિપ્રાયમાં લખ્યું હતું કે એફિર્મેટિવ એક્શન પ્રોગ્રામનો હેતુ સારો છે અને સદભાવના સાથે તેનો અમલ થયો છે, પરંતુ તે કાયમ માટે રાખી શકાય નહીં અને તે અન્ય લોકો સામે ગેરબંધારણીય ભેદભાવ સમાન છે. વિદ્યાર્થી સાથે તેના એક વ્યક્તિ તરીકેના અનુભવને આધારે વ્યવહાર કરવો જોઇએ, નહી કે રેસના આધારે. યુનિવર્સિટીઓ અરજદાર જાતિવાદનો અનુભવ કરીને મોટો થયા છે કે નહીં જેવા તેમના બેકગ્રાઉન્ડને આધારે તેમની અરજીની વિચારણા કરી શકે છે, પરંતુ પ્રાથમિક રીતે અરજદાર શ્વેત, શ્યામ કે અન્ય છે તેના આધારે નિર્ણય લેવો તે પોતે વંશીય ભેદભાવ છે.
ગર્ભપાતના મહિલાના અધિકારની બાંયધરી રદ કર્યાના એક વર્ષ પછી રૂઢિચુસ્ત ન્યાયધીશોની બહુમતી ધરાવતી કોર્ટે 1960ના દાયકાથી કાયદામાં સ્થાપિત ઉદાર નીતિઓને રદ કરવાની પણ તૈયારી દર્શાવી છે. કોર્ટના આદેશથી સ્કૂલોમાં એડમિશન તથા કંપનીઓ અને સરકારમાં ભરતીમાં વિવિધતા લાવવાના એફિર્મેટિવ એક્શન પ્રોગ્રામને ફટકો પડ્યો છે.
જોકે આ ચુકાદા અંગે અસંમત થતાં જસ્ટિસ સોનિયા સોટોમાયોરે કોર્ટ સામે વિભાજિત સમાજની વાસ્તવિકતા પ્રત્યે અંધ હોવાનો આક્ષેપ કર્યો હતો.
સ્ટુડન્ટ્સ ફોર ફેર એડમિશન નામના એક્ટિવિસ્ટ ગ્રૂપે દેશની સૌથી જૂની ખાનગી અને જાહેર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની એડમિશન પોલિસી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ યુનિવર્સિટીમાં હાર્વર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના (UNC)નો સમાવેશ થાય છે. આ ગ્રૂપે દાવો કર્યો હતો કે જાતિ કે વંશના આધારિત પ્રવેશ નીતિઓને કારણે આ બે યુનિવર્સિટીઓમાં સમાન અથવા વધુ સારી-લાયકાત ધરાવતા એશિયન અમેરિકનો સામે ભેદભાવ થાય છે. બીજી સંખ્યાબંધ સ્કૂલોમની જેમ હાર્વર્ડ અને યુએનસી વિદ્યાર્થીઓમાં વૈવિધ્ય અને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે અરજદારની જાતિ અથવા વંશીયતાને એક પરિબળ તરીકે ધ્યાનમાં લે છે. 1960ના દાયકાની સિવિલ રાઇટ્સ મુવમેન્ટને પગલે આવા એફિર્મેટિવ એક્શન પ્રોગ્રામની શરૂઆત થઈ હતી.