યુએસ સિટિઝનશિપ ટેસ્ટ અપડેટ કરવામાં આવી રહી છે અને કેટલાક ઇમિગ્રન્ટ્સ અને એડવોકેટ્સને ચિંતા છે કે આ ફેરફારોથી અંગ્રેજીનું ઓછું કૌશલ્ય ધરાવનારાઓની મુશ્કેલીમાં વધારો થશે. નેચરલાઈઝેશન ટેસ્ટ અમેરિકાની નાગરિકતા તરફના અંતિમ પગલાંમાંનું એક છે. એક મહિનો ચાલતી આ પ્રક્રિયાની અરજી કરતા પહેલા વર્ષો સુધી કાયદેસરના કાયમી રહેઠાણની જરૂર પડે છે.
ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ, રીપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે 2020માં પરીક્ષામાં ફેરફાર કર્યા પછી ઘણા હજી પણ હચમચી ગયા છે, કારણ કે હવે તેમાં પાસ થવું વધુ લાંબું અને વધુ મુશ્કેલ બન્યું છે. ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ જો બાઈડેને પદ સંભાળ્યું અને નાગરિકતાના અવરોધોને દૂર કરવાના હેતુથી મહિનાઓની અંદર એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. તે સંદર્ભમાં નાગરિકતા પરીક્ષા તેના જુના સ્વરૂપમાં પાછી લવાઈ હતી. છેલ્લે 2008માં તે અપડેટ કરાઈ હતી.
યુએસ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આ પરીક્ષા સ્વરૂપને 15 વર્ષ થઈ ગયા છે અને હવે તેમાં અપડેટ જરૂરી છે. પરીક્ષા નવા સ્વરૂપમાં આવતા વર્ષના અંતમાં અમલમાં આવશે તેવું મનાય છે. યુ.એસ. સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે પ્રસ્તાવ મૂક્યો છે કે નવી કસોટીમાં અંગ્રેજી કૌશલ્યના મૂલ્યાંકનમાં અંગ્રેજી બોલવાની ક્ષમતા ચકાસવાનો ઉમેરો કરવામાં આવે. તેમા એક અધિકારી સામાન્ય દૃશ્યોના ફોટા બતાવશે, જેમ કે દૈનિક પ્રવૃત્તિઓ, હવામાન અથવા ખોરાક – અને અરજદારને ફોટાઓનું મૌખિક વર્ણન કરવાનું કહેશે.
હાલની પરીક્ષામાં, નેચરલાઈઝેશન ઈન્ટરવ્યુ દરમિયાન અધિકારી અરજદારે નેચરલાઈઝેશન પેપરવર્કમાં પહેલાથી જ જવાબ આપ્યો હોય તેવા વ્યક્તિગત પ્રશ્નો પૂછીને બોલવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. “મને લાગે છે કે ચિત્રો જોવા અને તે સમજાવવા વધુ મુશ્કેલ હશે,” એમ હેવન મેહરતાએ કહ્યું હતું. તેઓ 10 વર્ષ અગાઉ ઇથિયોપિયાથી અમેરિકા આવ્યા હતા અને તાજેતરના મે મહિનામાં નેચરલાઈઝેશન ટેસ્ટ પાસ કરી અને જૂનમાં મિનેસોટામાં અમેરિકાના નાગરિક બન્યા હતા.
32 વર્ષના મેહરતાએ જણાવ્યું હતું કે તે અમેરિકા આવ્યા પછી પુખ્ત વયે અંગ્રેજી શીખી હતી અને ઉચ્ચાર ખૂબ જ મુશ્કેલ હોવાનું જણાયું હતું. તેને ચિંતા છે કે વ્યક્તિગત પ્રશ્નોના બદલે ફોટા પર બોલવાના કૌશલ્યનો નવો વિભાગ ઉમેરવાથી તેના જેવા અન્ય લોકો માટે પરીક્ષા વધુ મુશ્કેલ બનશે. શાઈ અવની પાંચ વર્ષ પહેલા ઇઝરાયેલથી અહીં આવ્યા હતા અને ગયા વર્ષે નાગરિક બન્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અરજદારો પહેલેથી જ તણાવમાં હોય ત્યારે બોલવાની ક્ષમતાનો નવો વિભાગ પરીક્ષા દરમિયાન તેમાં વધારો કરી શકે છે.