યુકેએ બે વર્ષ માટે દેશમાં સ્થાયી થવા, કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગતા ભારતીય નાગરિકો માટે તેના દરવાજા ખોલ્યાં છે. મંગળવારે ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશને ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ નવી બેલેટ સિસ્ટમની જાહેરાત કરી હતી.
યોજના હેઠળ યુકે 18-30 વર્ષની વયના ભારતીયોને 3,000 વિઝા આપશે. તેમને યુરોપની ધરતી પર તેમની કારકિર્દી બનાવવાની તક મળશે. નવી બેલેટ વિન્ડો ભારતીય સમય અનુસાર 20 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:30 વાગ્યેથી 22 ફેબ્રુઆરી બપોરે 2:30 વાગ્યે સુધી ખુલ્લી રહેશે.
ટ્વિટર પરની સત્તાવાર જાહેરાતમાં જણાવાયું હતું કે “ભારત યંગ પ્રોફેશનલ્સ સ્કીમનું પ્રથમ બેલેટ 24 કલાકથી ઓછા સમયમાં ખુલે છે! તમે ભારતીય સ્નાતક હો અને યુકેમાં 2 વર્ષ સુધી રહેવા, કામ કરવા અથવા અભ્યાસ કરવા માગે છે, તો તમારા માટે વિઝા અરજી કરવાની તક છે.”
બેલેટ માટે સ્નાતકની ડિગ્રી અથવા ઉચ્ચ શિક્ષણ પ્રમાણપત્ર ધરાવતા અરજદારો પાત્ર છે. યુકે સરકારની વેબસાઇટ પરની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોએ તેમની વ્યક્તિગત વિગતો આપવાની રહેશે. તેમાં નામ, જન્મ તારીખ, પાસપોર્ટની વિગતો, પાસપોર્ટનું સ્કેન અથવા ફોટો, ફોન નંબર અને ઇ-મેઇલ એડ્રેસ વગેરેનો સમાવેશ થાય છે. ઓછામાં ઓછા GBP 2,530ની નાણાકીય બચત અને 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ આશ્રિત સંતાનો હોવા જોઈએ નહીં, તે અરજી માટે વધારાની શરતો છે.
ઉમેરવારોની પસંદગી રેન્ડમલી થશે. બે અઠવાડિયાની અંદર પરિણામોની જાણ અરજદારોને ઇ-મેઇલ દ્વારા કરાશે. એ પછી વિઝા માટે અરજી કરવાની અંતિમ તારીખ ઈ-મેલની તારીખથી 90 દિવસ સુધીની છે. અરજદારોએ તેમનું બાયોમેટ્રિક્સ સબમિટ કરવાનું રહેશે અને વિઝા એપ્લિકેશન ફી ચૂકવવી પડશે, જેમાં ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જનો સમાવેશ થાય છે. વિઝા અરજી પછી ભારતીય પ્રોફેશનલે છ મહિનામાં યુકે પહોંચવાનું આવશ્યક છે. વિઝાનો ખર્ચ 298 પાઉન્ડ (₹31,110) હશે.
મે 2021માં શરૂ કરાયેલી યુકે-ઈન્ડિયા મોબિલિટી એન્ડ માઈગ્રેશન પાર્ટનરશિપમાં યંગ પ્રોફેશનલ્સ સ્કીમનો સમાવેશ કરાયો હતો.